નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે પણ હંગામો થવાની શક્યતાઓ છે. ગુરુવારે થયેલી મારામારી અને ભાજપના બે સાંસદો ઘાયલ થયા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં રાહુલ ગાંધી પર ધાકધમકી અને જૂથ અપરાધની કલમો લગાવવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે
દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી છે. લોકસભા સ્પીકરને પણ રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરની જાણકારી આપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ હવે સીસીટીવી ફૂટેજ માટે લોકસભા સચિવાલય સાથે વાત કરશે. આ પછી તપાસ આગળ વધારવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ આ મામલે રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે.
આ કલમો હેઠળ કેસ નોંધાયેલ
દિલ્હી પોલીસે તેમના પર BNS ની કલમ 115 એટલે કે સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી, કલમ 117 એટલે કે સ્વેચ્છાએ ગંભીર ઇજા પહોંચાડવાનો કેસ, કલમ 125 એટલે કે અન્ય લોકોના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવી, કલમ 131 એટલે કે ફોજદારી બળનો ઉપયોગ, કલમ 351 એટલે કે ફોજદારી ધમકી અને કલમ 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
કોંગ્રેસે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી
સંસદમાં મારામારી મામલે સામે કોંગ્રેસે ભાજપના સાંસદો વિરુદ્ધ સંસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. કોંગ્રેસે પોતાની ફરિયાદમાં બીજેપી સાંસદો પર ઈરાદાપૂર્વક રસ્તો રોકવાનો અને દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ફરિયાદ કરી છે કે મલ્લિકાર્જુન ખડગેને જાણી જોઈને નીચે ધકેલવામાં આવ્યાં હતા. જેના કારણે તેમના બંને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ખડગે સાથેના ગેરવર્તણૂકને લઈને SC/ST એક્ટ પણ લાદવો જોઈએ.
કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે
આ સાથે જ રાહુલ ગાંધી અને અમિત શાહના આંબેડકર પરના નિવેદન સામે નોંધાયેલી FIRના વિરોધમાં કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે.
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR પર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા કહ્યું કે આખો દેશ જોઈ રહ્યો છે, તેઓએ રાહુલ ગાંધી પર ઘણા કેસ કર્યા છે. તેઓ નવી FIR લાવે છે અને જૂઠું બોલે છે. આ તેમની નિરાશાનું સ્તર દર્શાવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++