કોલકત્તા: પ.બંગાળમાં ભાજપની જીત પછીની હિંસામાં અલગ અલગ ઘટનાઓમાં બે ભાજપ અને એક તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓનાં મોત થયા છે. ન્યૂ ટાઉન વિસ્તારમાં ટીએમસી સમર્થકો દ્વારા માર મારવામાં આવતા ભાજપ કાર્યકર મધુ મંડલનું મોત થયું હતું.
ભાજપની વિજય સરઘસ યાત્રા દરમિયાન થયેલી બબાલ બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ, ભાજપ સમર્થકોએ વિસ્તારમાં ટીએમસી કાર્યકરોના ઘરો પર હુમલો કર્યો હતો અને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય દળોને તૈનાત કરવા પડ્યાં છે.
ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો
બીરભૂમ જિલ્લાના નાનૂરમાં ભાજપ કાર્યકરો દ્વારા ટીએમસી કાર્યકર અબીર શેખની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યાં અનુસાર, સંતોષપુર ગામમાં એક વિવાદ દરમિયાન તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
નાનુરના ટીએમસી ધારાસભ્ય, વિધાન માઝીએ આરોપ લગાવ્યો કે ભાજપના ગુંડાઓએ આ હત્યા કરી છે, જ્યારે ભાજપના નેતા શ્યામપદ મંડલે આરોપોને નકારી કાઢ્યા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. હાવડાના ઉદય નારાયણપુરમાં અન્ય એક ભાજપ કાર્યકર યાદવ બારની હત્યા કરવામાં આવી હતી. તેમની પત્નીએ આરોપ લગાવ્યો કે જય શ્રી રામના નારા લગાવવા અને ગુલાલ સાથે રમવા બદલ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
રાજ્યના અનેક ભાગોમાં તોડફોડ અને હિંસાના બનાવો બન્યાં છે. ટોલીગંજના વિજયગઢ-નેતાજી નગર વિસ્તારમાં પૂર્વ મંત્રી અરૂપ બિશ્વાસના ચૂંટણી કાર્યાલયમાં ટોળાએ તોડફોડ કરી હતી. શહેરના રૂબી ક્રોસિંગ ખાતે ટીએમસી કાઉન્સિલરની ઓફિસ પર પણ હુમલો કરવામાં આવ્યો. હાવડા ઉત્તર 24 પરગણા અને મુર્શિદાબાદ સહિત અનેક જિલ્લાઓમાં પાર્ટી કાર્યાલયો પર આગચંપી અને હુમલાના અહેવાલો છે, જોકે આની પુષ્ટિ થઈ નથી.
તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર હિંસાના આરોપ લગાવ્યાં છે. જ્યારે ભાજપે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે તે ટીએમસીની અંદરના આંતરિક જૂથબંધીનું પરિણામ હોઈ શકે છે. ચૂંટણી પંચે આ ઘટનાઓ પર કડક વલણ અપનાવ્યું છે, સ્થાનિક પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે.