નિરમાના કરસનભાઈ પટેલનો મોટો ઘટસ્ફોટ, પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલને હટાવવાનું કાવતરું હતું

09:38 AM Jan 07, 2025 | gujaratpost

પાટણઃ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળે રવિવારે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસન પટેલે એક નિવેદનમાં આપતાં કહ્યું કે પાટીદાર અનામત આંદોલન તત્કાલિન સીએમ આનંદીબેન પટેલને હટાવવાનું કાવતરું હતું. તેમના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ નિવેદન બાદ હાર્દિક પટેલ, લલીત કગથરા, દિનેશ બાંભણીયા, રેશ્મા પટેલ, અલ્પેશ કથીરિયા સહિતનાં અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી છે.

કરસનભાઈ પટેલનાં નિવેદન પર વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, કરસનભાઈ કરોડપતિ છે, ગરીબી જોઈ નથી. આવા આગેવાનો પાટીદારને લેઉવા-કડવામાં વેચી રહ્યાં છે. આ આંદોલનથી માત્ર પાટીદારને જ નહીં પણ બ્રાહ્મણ, લુહાણા સહિતનાં સમાજને ફાયદો થયો છે. છેલ્લા 4 વર્ષમાં હજારો યુવાનો મફતમાં શિક્ષણ મેળવી રહ્યાં છે.

સિદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ વાંસજાળીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 10 વર્ષે આ પ્રકારે ટિપ્પણી કરવી યોગ્ય ન કહેવાય. આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું તે હવે ચર્ચાનો વિષય નથી. આંદોલનથી સમાજે ઘણું ગુમાવ્યું અને મેળવ્યું પણ છે. પાટીદાર સમાજનાં આંદોલનથી આયોગ અને નિગમ મળ્યું. મુખ્યમંત્રી અને 14 દીકરા ગુમાવ્યાં તે દુઃખદાયી છે. સમાજનાં 14 દીકરાઓ શહીદ થયા તેમના પરિવારોને સહાય અપાઈ છે. 6 જેટલી સામાજિક સંસ્થાએ 20-20 લાખ રૂપિયાની સહાય આપી છે.

લલીત કગથરા કહ્યું કે, ઉદ્યોગપતિ કરસનદાસને 10 વર્ષે હિસાબ યાદ આવ્યો છે. કરસનભાઈ પટેલને હવે યાદ આવ્યું કે પાટીદાર આંદોલનથી કંઈ મળ્યું નથી. આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવ્યાં ત્યારે કેમ ન બોલ્યા ?

પૂર્વ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ કહ્યું કે કરસનકાકાએ જે નિવેદન આપ્યું તેનાથી મને દુઃખ છે. આંદોલનનાં ચેહરાઓથી ગુજરાતને ફાયદો થયો છે. આંદોલનથી સમાજને પણ ઘણો લાભ મળ્યો છે. આંદોલનથી EWS, સ્વાવલંબન યોજના સહિત અનેક એવા ગુજરાત સરકારે લાભો આપ્યા છે. કરસનકાકા 10 વર્ષ પછી યાદ આવ્યું છે. અમરેલીની દીકરી સાથે બનેલી ઘટનામાં કેમ આગળ ન આવ્યાં તે પણ પાટીદાર જ છે.

પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ કહ્યું કે, કરશનભાઈ પટેલનું નિવેદન શંકા ઉપજાવનારૂં છે. આનંદીબેન પટેલને માત્ર લેઉવા પટેલ પુરતા સીમિત કર્યા છે. 

પાટીદાર મહિલા અગ્રણી રેશ્મા પટેલે કહ્યું કે પાટીદાર આંદોલન ક્યારેય ગેરમાર્ગે દોરવા માટે ન હતું. પાટીદાર આંદોલન સારી ભાવનાથી કરવામાં આવ્યું હતું. પાટીદાર આંદોલનથી અનેક લોકોને ઘણા ફાયદા થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++