PM મોદીનું સિંગાપોર સંસદમાં સ્વાગત, ભારત અને સિંગાપોર વચ્ચે સેમિકન્ડક્ટર સહિત ઘણા ક્ષેત્રોમાં પર કરાર

10:27 AM Sep 05, 2024 | gujaratpost

સિંગાપોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય સિંગાપોરની મુલાકાતે છે. બુધવારે તેઓ સિંગાપોર પહોંચ્યાં ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતના બીજા દિવસે સિંગાપોરની સંસદમાં પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM મોદીએ તેમના સિંગાપોર પ્રવાસના બીજા દિવસે ગુરુવારે સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે વિદેશ મંત્રી જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

આ પછી પીએમ મોદી સિંગાપોરની સંસદ પહોંચ્યાં, જ્યાં બંને નેતાઓ એક બીજા દેશના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યાં હતા. પીએમ મોદી અને સિંગાપોરના લોરેન્સ વોંગની હાજરીમાં બંને દેશો વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા, જેમાં સેમિકન્ડક્ટર પર એક મહત્વપૂર્ણ કરાર પણ સામેલ છે.

ભારત અને સિંગાપોર વચ્ચે પીએમ મોદી અને લોરેન્સ વોંગની હાજરીમાં ડિજિટલ ટેક્નોલોજી, આરોગ્ય અને દવા, શૈક્ષણિક સહયોગ અને કૌશલ્ય વિકાસ સહિતના ઘણા ક્ષેત્રોના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. ભારત-સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપ અંગે પણ એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે, બંને દેશો સેમિકન્ડક્ટર ક્લસ્ટર ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ભારત અને સિંગાપોર વચ્ચે ઘણા કરાર થયા
 
છેલ્લા કેટલાક દાયકાઓમાં સિંગાપોરે વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. સિંગાપોર તેની સ્થિતિ જાળવી રાખવા માટે હાર્ડ અને સોફ્ટ બંને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. સિંગાપોરની યુનિવર્સિટીઓએ સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વિશેષ અભ્યાસક્રમો શરૂ કર્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી સિંગાપોરની સરકારી મુલાકાતે છે. તેમની મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠના અવસર પર થઈ રહી છે.

પીએમ મોદીની સિંગાપોર મુલાકાતનું મહત્વ

પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચ્યાં છે. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે મોદીની સિંગાપોર મુલાકાત મહત્વપૂર્ણ છે. આ દરમિયાન પીએમ મોદી બિઝનેસ લીડર્સ અને ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગર અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

વડાપ્રધાનની સિંગાપોર મુલાકાત વેપાર અને રોકાણની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આસિયાન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોર વિશ્વમાં ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોર ભારતમાં આવતા વિદેશી સીધા રોકાણ (FDI)નો મુખ્ય સ્ત્રોત છે. સિંગાપોર વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિંગાપોર પાસે આ ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526