PM મોદીએ સાણંદમાં રૂ. 22,500 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

06:42 PM Feb 28, 2026 | gujaratpost

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ સ્વાસ્થ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવતી અનેક યોજનાઓની ભેટ આપી છે. સાણંદ ખાતે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે.

સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. રૂ. 22,500 કરોડથી વધુનો ખર્ચે આ પ્લાન્ટ તૈયાર થયો છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળનો આ પહેલો પ્રોજેક્ટ છે.

આ પ્લાન્ટમાંથી ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર મેમરી ચિપનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થઈ ચૂક્યું છે. સપ્ટેમ્બર 2023માં શિલાન્યાસ બાદ આટલા ટૂંકા ગાળામાં ઉત્પાદન શરૂ કરવું એ ભારતની કાર્યક્ષમતાનું પ્રતીક છે. પીએમ મોદીના આ પ્રવાસથી ગુજરાતમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે તેજી આવશે અને સ્થાનિક સ્તરે હજારો યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. ભારત હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં એક મહત્વનું કેન્દ્ર બનવા તરફ ડગ માંડશે.

આ ઉપરાંત સવારે 11:30 વાગ્યે અજમેર ખાતે પીએમ મોદી ₹16,680 કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જે અંતર્ગત મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર અટકાવવા માટે 14 વર્ષની કિશોરીઓ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત કરાશે. તેમજ  રાજ્યના 21,800 થી વધુ નવનિયુક્ત યુવાનોને સરકારી નોકરીના નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.