ઓડિશા: પીએમ મોદી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા બુધવારે ઓડિશા પહોંચ્યાં હતા. તેમણે ઓડિશામાં 3 જાહેર સભાઓ કરી અને લોકોના આશીર્વાદ માંગ્યા હતા. મોદીએ ઓડિશામાં તેમના 10 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓની માત્ર ગણના જ નથી કરી પરંતુ ત્યાંની બીજેડી સરકાર પર પણ આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે 4 જૂન પછી દેશની રાજનીતિમાં હલચલ મચી જવાની છે. 4 જૂન પછી માત્ર રાજ્ય જ નહીં પરંતુ દેશ પણ નવી ગતિ પકડવા જઈ રહ્યો છે. પીએમ મોદીએ ઓડિશામાં કેન્દ્રપારા ખાતે તેમની રેલીનું સમાપન કર્યું હતું.
પીએમ મોદી ત્રીજી રેલી માટે કેન્દ્રપારા પહોંચ્યાં હતા. આ દરમિયાન મોદી મહિલાઓને પણ મળ્યાં હતા. લોકસભા ચૂંટણી માટે ઓડિશાના કેન્દ્રપરામાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ મહિલા સમર્થકો પાસેથી આશીર્વાદ માંગ્યા હતા. તેમને વૃદ્ધ મહિલાને માન આપીને તેમના ચરણોમાં માથું નમાવ્યું હતું. હાથ જોડીને વૃદ્ધ મહિલાના આશીર્વાદ માંગ્યા હતા. સમર્થકોએ પણ પીએમ મોદીના સન્માનમાં માથું ઝુકાવ્યું હતું. પીએમ તરફથી સન્માન મળ્યાં બાદ તે ખુશ થઈ ગયા હતા. એક માતાની જેમ પીએમ મોદીને આશીર્વાદ આપ્યાં અને પુત્ર વતી આ સન્માન પણ સ્વીકાર્યું હતું. આ તસવીર હૃદય સ્પર્શી છે. રેલી દરમિયાન મોદીએ રાજ્યની નવીન પટનાયક સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજેડી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે પરિવાર આધારિત પાર્ટીઓ આગામી છ મહિનામાં વિખૂટી પડી જવાની છે.
ઓડિશાની ધરતીને સલામ
મોદીએ ફરી એકવાર ઓડિશાની ધરતી પરથી એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કહ્યું કે તેઓ 10 જૂન માટે લોકોને આમંત્રણ આપવા માટે આવ્યાં છે. મોદીએ કહ્યું કે ઓડિશામાં ભાજપના મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે. ઓડિશાના નવા સીએમ અહીંની માટીના પુત્ર હશે. તે વ્યક્તિ માત્ર જગન્નાથ ભક્ત જ નહીં પરંતુ આ સ્થાનની ભાષા અને સંસ્કૃતિને પણ પ્રેમ કરશે. ઓડિશાને બીજેપીના સીએમ મળશે
ઓડિશાની 6 બેઠકો પર 1 જૂને ચૂંટણી
લોકસભાની ચૂંટણીનો માત્ર સાતમો તબક્કો બાકી છે. 1 જૂનના રોજ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. મતદાન કરનારા રાજ્યોમાં ઓડિશાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા તબક્કામાં ઓડિશાની 6 બેઠકો પર મતદાન થવાનું છે. ભાજપ રાજ્યમાં સતત પ્રચાર કરી રહ્યું છે અને ત્યાં જનતાનું સમર્થન માંગી રહ્યું છે અને રાજ્યમાં ભાજપની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. પીએમ મોદી પણ સતત લોકો સુધી પહોંચીને તેમના આશીર્વાદ માંગી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/