PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકા મુલાકાતના બીજા દિવસે લોંગ આઇલેન્ડમાં નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં યોજાનાર પીએમ મોદીના આ મેગા ઈવેન્ટની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં લગભગ 14,000 લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. પીએમના કાર્યક્રમનું નામ મોદી અને યુએસઃ પ્રોગ્રેસ ટુગેધર' રાખવામાં આવ્યું છે. આયોજકોનું કહેવું છે કે આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધો અને અમેરિકન-ભારતીય સમૂદાય વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોને ઉજાગર કરશે. એનઆરઆઈ આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યાં છે.
બાઇડેન અને પીએમ મોદી મળ્યાં હતા
આ પહેલા શનિવારે વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકાત અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ક્વાડ સમિટની બાજુમાં મળેલા બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી. નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સહિત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
બાઇડેને પીએમ મોદીનું સ્વાગત કર્યું
બાઇડેને મોદીનું વિલ્મિંગ્ટન, ડેલવેર ખાતેના તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું અને બંને નેતાઓ એકબીજાને ગળે લાગ્યાં હતા. આ પછી બાઇડેન મોદીનો હાથ પકડીને તેમના ઘરની અંદર લઈ ગયા જ્યાં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. બાઇડેને 'X' પર કહ્યું, ભારત સાથે અમેરિકાની ભાગીદારી ઈતિહાસમાં કોઈપણ સમય કરતાં વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે. જ્યારે પણ અમે વડાપ્રધાન મોદી સાથે બેસીએ છીએ ત્યારે સહકારના નવા ક્ષેત્રો શોધવાની અમારી ક્ષમતાથી મને ખૂબ આનંદ થાય છે. આજે પણ કંઈ અલગ નહોતું.
ચાઇના ક્વાડને કેવી રીતે જુએ છે?
પીએમ મોદી સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને યુએસમાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ હાજર છે. યુએસ ટીમમાં સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકન, રાષ્ટ્રીય સુરક્ષા બાબતોના રાષ્ટ્રપતિના મદદનીશ ટીએચ જેક સુલિવાન અને ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીનો સમાવેશ થાય છે. અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાતે અહીં આવેલા મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. ચાર સભ્યોની ક્વાડ મુક્ત, ખુલ્લી અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક પ્રદેશને જાળવી રાખવાની હિમાયત કરે છે. ચીન તેને વિપક્ષી જૂથ તરીકે જુએ છે.
આ પહેલા અમેરિકા પહોંચ્યાં બાદ ભારતીય પ્રવાસીઓના એક મોટા સમૂહે ફિલાડેલ્ફિયા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીએ પરંપરાગત પોશાકમાં સજ્જ લોકોના સમૂહનું અભિવાદન કર્યું હતું, જેમાંથી ઘણાએ ભારતીય ત્રિરંગો ધારણ કર્યો હતો. તેમાંથી કેટલાકને 'ઓટોગ્રાફ' આપ્યા અને કેટલાક સાથે હાથ મિલાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ભારતીય સમુદાયે અમેરિકામાં પોતાની ઓળખ બનાવી છે અને વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. તેની સાથે વાતચીત કરવામાં હંમેશા આનંદ થાય છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/