+

ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, વાયુસેનાનું ટ્વિટ- Gujarat Post

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે શનિવારે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સીઝફાયરના ત્રણ કલાકમાં જ પાકિસ્તાને ફરી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. હવે ભ

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે શનિવારે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સીઝફાયરના ત્રણ કલાકમાં જ પાકિસ્તાને ફરી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. હવે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાયુસેનાએ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી આપતા કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' હજુ શરૂ જ છે. આવનારા સમયમાં તેને લઈને જાણકારી આપવામાં આવશે.

ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઓપરેશન શરૂ હોવાની જાણકારી આપતા લખ્યું કે, ભારતીય વાયુસેના એ ઓપરેશન સિંદૂરમાં પોતાના નિર્ધારિત કાર્યોને સટીકતા અને સફળતાપૂર્વક અંજામ આપ્યો છે. ઓપરેશન રાષ્ટ્રીય હેતુના અનુરૂપ સમજી-વિચારી અને વિવેકપૂર્ણ રીતે સંચાલિત કરવામાં આવ્યું છે. જોકે, ઓપરેશન હજુ શરૂ છે, તેથી આ યોગ્ય સમયે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.

22 એપ્રિલના રોજ જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોની ક્રૂરતાથી હત્યા કરાઇ હતી. બાદમાં  ભારતે 7-8 મે ની રાત્રે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતે આ હવાઈ હુમલાને પહેલગામ આતંકવાદી હુમલા પછીની કાર્યવાહી ગણાવી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેને દેશ પર હુમલો ગણાવ્યો અને સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને સતત ચાર દિવસ સુધી ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો હતો. શનિવારે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા, પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો.

facebook twitter