નાઇજીરીયામાં બોટ પલટી જતાં 27 લોકોનાં મોત, 100 ગુમ થયેલા લોકોની મળી રહી છે લાશો

04:31 PM Nov 30, 2024 | gujaratpost

અબુજાઃ ઉત્તરી નાઈજીરિયામાં નાઈજર નદીમાં એક બોટ પલટી જવાથી અત્યાર સુધીમાં 27 લોકોનાં મોત થયા છે, જ્યારે 100 થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ આ અકસ્માતની માહિતી આપી છે. બોટ કયા કારણથી ડૂબી ગઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં ઓવર લોડને કારણે આવા કિસ્સા બને છે.

વેપારીઓ બોટમાં હતા

નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી (NIWA) ના પ્રવક્તાએ જણાવ્યું કે બોટ મધ્ય કોગી રાજ્યના મીસા સમુદાયના વેપારીઓને લઈને જતી હતી, જેઓ પડોશી રાજ્ય નાઈજર રાજ્યમાં મુસાફરી કરી રહ્યાં હતા. બચાવ કાર્ય હજુ ચાલુ છે. પરંતુ મૃતકોનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. કોઈ પણ મુસાફરોએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા.

અકસ્માતો વારંવાર થાય છે

ઘટનાસ્થળે 27 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે સ્થાનિક ડાઇવર્સ અન્ય લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બોટમાં મોટાભાગની મહિલાઓ હતી. બોટમાં 200થી વધુ મુસાફરો સવાર હતા. પશ્ચિમ આફ્રિકાના દેશમાં બોટ પલટી જવાના અકસ્માતો અવારનવાર બનતા રહે છે. ઓવરલોડિંગ, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને ઓપરેશનલ ભૂલો જેવા પરિબળો સામાન્ય રીતે આ ઘટનાઓ માટે જવાબદાર છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++