અમદાવાદઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરી નાખી છે. આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસીની વિવિધ કલમોમાંથી કલમ 304 અને 308 હેઠળ ગુનો બનતો નથી, એવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. બંને કલમો હેઠળ અનુક્રમે જનમટીપ અને 10 વર્ષની કેદની સજાની જોગવાઇ છે. જ્યારે અન્ય કલમો જેની સામે જયસુખ પટેલ અને અન્ય આરોપીઓએ ડિસ્ચાર્જ નથી માંગ્યો તેમાં માત્ર 3 મહિનાથી લઇને 6 મહિનાની સજાની જોગવાઇ છે. જેથી આરોપીઓએ જનમટીપ અને 10 વર્ષની કેદની સજાથી બચવા માટે મોરબી સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી.પરંતુ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી દીધી છે.
મોરબી ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલ સહિત તમામ આરોપીઓ સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓએ કોર્ટમાં અરજી કરી હતી કે કલમ 304 અને 308 માંથી અમને ડિસ્ચાર્જ કરી આપો. કલમ 304 હેઠળ જનમટીપની સજાની જોગવાઇ છે અને કલમ 308માં 10 વર્ષની સજાની જોગવાઇ છે.
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં. દુર્ઘટનાના દિવસે 3,165 લોકોને ટિકિટ આપવામાં આવી હતી. જો કે પુલ પર એકસાથે કેટલા લોકોને પ્રવેશ આપવો કે કેટલી ટિકિટો આપવી એ અંગે કોઈ સ્પષ્ટ નિયમો ન હતા.