રાજ્યમાં ચોમાસાએ કરી જમાવટ, 24 કલાકમાં 191 તાલુકાઓમાં થઈ મેઘમહેર- Gujarat Post

12:51 PM Jun 30, 2024 | gujaratpost

રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ

સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો

ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24 ટકા વરસાદ પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

અમરેલી જિલ્લામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બાબરા, લીલીયા, બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ છે. ખાંભા શહેર અને ગામડાઓમાં વરસાદ છે. લાઠી શહેર અને આસપાસના ગામડાઓ તાજપર, રામપુર સહિતના વિસ્તારમાં વરસાદ છે. કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે.

ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમા સુપેડી, નાની વાવડી, મોટી વાવડી અને તોરણિયા સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526