NEET પેપર લીક રેકેટમાં વધુ નવા નામો ખુલી શકે છે, જાણો વધુ વિગતો

06:22 PM Jun 29, 2024 | gujaratpost

(ગોધરામાં જય જલારામ સ્કૂલ પેપર લીક)

પંચમહાલઃ ગુજરાતમાં NEET-UG ગેરરીતિ કેસમાં CBI તપાસનો ધમધમાટ છે. અગાઉના અંદાજ કરતાં વધુ લોકો આ રેકેટમાં સામેલ હોવાના પુરાવા બહાર આવ્યાં છે. સીબીઆઈએ શુક્રવારે ગોધરા કોર્ટમાં જણાવ્યું કે પોલીસે ધરપકડ કરેલા પાંચ શંકાસ્પદોમાંથી ચારની કસ્ટડી માંગવામાં આવી છે. ગોધરા કેસની તપાસ સંભાળ્યાં બાદ, સીબીઆઈએ ઘણા NEET કેન્દ્રો અને આરોપીઓના રહેઠાણોનું નિરીક્ષણ કર્યું છે. કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં એવા વિદ્યાર્થીઓના માતા-પિતાનો સમાવેશ થાય છે જેમના નામ લીક થયેલા પ્રશ્નો અને આન્સર કીના બદલામાં મોટી રકમ ચૂકવી હોવાની શંકા છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા આ રેકેટનું કેન્દ્ર કહી શકાય.

સીબીઆઈના વકીલે કોર્ટને જણાવ્યું કે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તેમની પસંદગીની ભાષા તરીકે ગુજરાતી અને કેન્દ્ર તરીકે ગોધરા પસંદ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતા. આ રેકેટમાં સામેલ લોકોની મોડસ ઓપરેન્ડી ગયા વર્ષે પણ આવી જ હતી

આ કેન્દ્રો પર ગડબડ

સીબીઆઈએ જણાવ્યું કે જે કેન્દ્રોમાં ગેરરીતિઓ થઈ હતી તે ગોધરામાં જય જલારામ સ્કૂલ અને વણાકબોરી નજીકની બીજી સ્કૂલ હતી. બંને કેન્દ્રો દિક્ષિત પટેલ ચલાવે છે. સીબીઆઈએ ગુરુવારે દિક્ષિત પટેલની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ જે ચાર લોકોની કસ્ટડી માંગી છે તેમાં આરીફ વહોરા, પુરુષોત્તમ શર્મા, વિભોર આનંદ અને તુષાર ભટ્ટ છે.

શું છે સમગ્ર મામલો ?

તપાસ એજન્સીએ કહ્યું કે આ માત્ર ગોધરાની વાત નથી, દેશના 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મામલો છે. ગુજરાતના ગોધરામાં 5 મેના રોજ NEET પરીક્ષામાં છેતરપિંડીનો ખુલાસો થયો હતો. અત્યાર સુધી આ કેસની તપાસ પંચમહાલ પોલીસ પાસે હતી. NEET પરીક્ષા પેપર લીકનો મામલો સામે આવ્યાં બાદ કેન્દ્ર સરકારે CBIને તપાસ સોંપી હતી ત્યારે રાજ્ય સરકારે ગોધરા કેસની તપાસ CBIને સોંપી હતી. સીબીઆઈની અરજી પર પણ શનિવારે કોર્ટમાં સુનાવણી થશે. બંને પક્ષો તરફથી ફરીથી દલીલો રજૂ કરવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526