ક્ષત્રિય સંકલન સમિતિના મતે ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવશે
ચાર બેઠકો પર ભારે રસાકસીનો દાવો
હવે દરેક સીટ પર 5 લાખની લીડ મુશ્કેલ
ગાંધીનગરઃ ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મંગળવારે મતદાન થયું છે. 2019ની સરખામણીએ 2024માં ઓછું મતદાન થયું છે. મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ દાવો કર્યો છે કે, ગુજરાતમાં ભાજપ 7 જેટલી બેઠકો ગુમાવશે. જયારે ચાર બેઠકો પર ભારે રસાકસી રહેશે. ખુદ ભાજપ માને છે કે, ક્ષત્રિય આંદોલનને કારણે નુકસાન વેઠવું પડે તેવી સ્થિતી છે.
ક્ષત્રિય આંદોલનને કારણે સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને ભરૂચ બેઠક પર ભાજપને મુશ્કેલી પડી શકે છે.મતદાનના દિવસે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એટલુ જ નહીં, ક્ષત્રિયો કેસરી સાફામાં સજ્જ થઇને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યાં હતાં. જયારે ક્ષત્રિય મહિલાઓ પણ કેસરી સાડી પહેરીને મતદાન કરવા પહોંચી હતી.
મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે,ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારમાં 80 ટકાથી વધુ મતદાન થયું છે. નિરસ મતદાનને કારણે ભાજપના કાર્યકરોએ થાળીઓ લઇને નીકળવુ પડ્યું હતું. સંકલન સમિતિની વાત માનીને ક્ષત્રિય સમાજના લોકોએ ઉત્સાહથી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવ્યું હતુ.
ક્ષત્રિય સંકલન સમિતિના મતે, જે રીતે મતદાન થયું છે તે જોતાં ગુજરાતમાં ભાજપ સાતેક બેઠકો ગુમાવી શકે છે. ચાર બેઠકો પર ભારે રસાકસી જામશે. અન્ય બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવાના સપના પૂરા નહીં થાય. આ તરફ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસના ન્યાયપત્રની ગેરેન્ટીને જોતાં ગુજરાતની જનતાએ અમને સમર્થન આપ્યું છે. બંધારણ બચાવવા મતદારોએ કોંગ્રેસને સમર્થન આપ્યું તે બદલ આભાર. ભાજપે પણ દાવો કર્યો છે કે, ગુજરાતના મતદારોએ દેશની સંસ્કૃતિ-વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને ભાજપને સમર્થન આપ્યું છે.
મતદાન પૂર્ણ થયા બાદ સી આર પાટીલે ટ્વિટ કરીને મતદારોનો આભાર માન્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526