- દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમીને કારણે અકળામણની સ્થિતિ જોવા મળશે
- રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
અમદાવાદઃ રાજ્યમાં ગરમીએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આજથી ત્રણ દિવસ ગરમીનો પારો ઉંચકાશે. આજે અમદાવાદ, ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે. હવામાન વિભાગના મતે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં 40 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિમ ગુજરાતના દરિયાકાંઠામાં હોટ એન્ડ હ્યુમીડ એરના કરાણે ડિસ્ક્મફર્ટ સ્થિતિ બની રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત ફરી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. રવિવારે 44.4 ડિગ્રી ગરમીમાં રાજકોટ શેકાયું હતું. રવિવારે રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3.2 ડિગ્રી વધ્યું હતું. રાજકોટમાં એપ્રિલમાં પડેલી ગરમીએ 2017નો રેકોર્ડ તોડ્યો હતો. એપ્રિલ મહિનામાં રાજકોટમાં તાપમાન 44 ડિગ્રીને પાર થયું હોય એવું માત્ર 2017માં એકવાર બન્યું હતું. આ વર્ષે તો એપ્રિલ મહિનાના 3 દિવસ એવા રહ્યા કે જ્યારે તાપમાન 44 ડિગ્રીને પાર થયું હતું. સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો.
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે, મેના પ્રથમ સપ્તાહમા પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. આના કારણે મે મહિના રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. આંધી અને પવનનો માહોલ રહેશે.