દુબઇઃ કુવૈત પોલીસ દ્રારા ગુજરાતના 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. તાજેતરમાં કુવૈતમાં એક ઈમારતમાં આગ લાગવાની ઘટનામાં અનેક ભારતીયોના મોત થયા હતા. જેના કારણે કુવૈતમાં જૂની ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દઢવાવ ગામના 10 લોકોની કુવૈત પોલીસે અટકાયત કરી છે.
સંબંધીઓને મળવા ગયા હતા
વિજયનગરના ઘણા લોકો કુવૈતમાં રહે છે અને ઘણા વર્ષોથી ત્યાં કામ કરે છે. 16 જૂનના રોજ બકરી ઇદની રજા હોવાથી વિજયનગરના 10 લોકો કુવૈતમાં તેમના સંબંધીઓને મળવા ગયા હતા. ત્યારબાદ કુવૈત પોલીસે તમામની અટકાયત કરી હતી. આ પછી પટેલ રમણલાલ કુરજીભાઈએ સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાને પત્ર લખીને તમામ લોકોને દેશમાં પરત લાવવાની માંગ કરી છે.
કુવૈત પોલીસે આ લોકોની અટકાયત કરી છે
અલ્પેશભાઈ રમણલાલ મોઢ પટેલ, હિમાંશુ કુમાર રસિકલાલ મોઢ પટેલ, બિપીનકુમાર શિવલાલ મોઢ પટેલ, મિલનકુમાર, દિનેશભાઈ મોઢ પટેલ, નિલવ અશોકભાઈ મોઢ પટેલ, લલિતભાઈ દેવચંદભાઈ મોઢ પટેલ, અનિલભાઈ નારાયણદાસ મોઢ પટેલ, નટવરલાલ ભીમજીભાઈ મોઢ પટેલ, બિપીનભાઈ કોદરભાઈ મોઢ પટેલ, વિવેકભાઈ ખેમજીભાઈ મોઢ પટેલનો સમાવેશ થાય છે.
કુવૈત પોલીસે તમામની અટકાયત કરી છે. આ અંગે રમણભાઈ કુરજીભાઈ મોઢા પટેલે PM નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી અને સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાને પત્ર લખ્યો છે. જેમાં વહેલી તકે તમામને મુક્ત કરવા માંગ કરી છે.
નોંધનીય છે કે 12 જૂનના રોજ વહેલી સવારે કુવૈતમાં 6 માળની ઈમારતમાં આગ લાગી હતી, જેમાં 50 લોકોનાં મોત થયા હતા, જેમાં 45 ભારતીય હતા. આ બિલ્ડિંગમાં 196 શ્રમીકો રહેતા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526