કોલકત્તા: દક્ષિણ કોલકત્તા લો કોલેજના એક પૂર્વ વિદ્યાર્થી અને બે હાલના વિદ્યાર્થીઓએ 24 વર્ષીય વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. ગેંગરેપનો ભોગ બનેલી વિદ્યાર્થીનીની તબીબી તપાસમાં ક્રૂર જાતીય હુમલાના પુરાવા સામે આવ્યાં છે. કોલકત્તા પોલીસના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, જેમાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો, યુવતીના શરીર પર બચકાં ભર્યાના નિશાન અને નખ માર્યા હોવાના પુરાવા મળ્યાં છે.
લગ્ન પ્રસ્તાવ નકારવા બદલ સજા
પોલીસે જણાવ્યું કે ગેંગરેપની ઘટના 25 જૂનના રોજ સાંજે વિદ્યાર્થી સંઘ કાર્યાલયની બાજુમાં આવેલા ગાર્ડના રૂમમાં બની હતી, જ્યારે મુખ્ય આરોપીના લગ્ન પ્રસ્તાવને નકારવા બદલ વિદ્યાર્થીની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં પ્રેક્ટિસ કરતા ફોજદારી વકીલ અને બે સિનિયર વિદ્યાર્થીઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. ફોરેન્સિક નિષ્ણાતોએ ગુનાના સ્થળને સીલ કરી દીધું છે અને વધુ તપાસ માટે આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.
એક શખ્સે તેના પર બળાત્કાર ગુજાર્યો, બે તેની પહેરેદારી કરી રહ્યાં હતા
કસ્બા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વિદ્યાર્થીની પરીક્ષા ફોર્મ ભરવા માટે લો કોલેજ ગઈ હતી ત્યારે તેને ત્યાં રહેવાનું કહેવામાં આવ્યું. તેને આરોપ લગાવ્યો કે મુખ્ય આરોપીએ બળજબરીથી તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે તેને ના પાડી, ત્યારે તેઓ તેને ગાર્ડના રૂમમાં ખેંચી ગયા અને નરાધમે તેના પર બળાત્કાર કર્યો અને માર માર્યો. તેણે દાંતથી તેના શરીર પર બચકાં ભર્યા અને નખ માર્યા. જ્યારે તે ગુનો કરી રહ્યો હતો, ત્યારે બે અન્ય આરોપી ગાર્ડના રૂમની બહાર ચોકી કરી રહ્યાં હતા.
બળાત્કારનો વીડિયો બનાવવામાં આવ્યો હતો, તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી
આ ઘટના સાંજે 7.30 થી 10.30 વાગ્યા સુધી ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હોવાનું કહેવાય છે. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે હુમલા દરમિયાન તેનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને તેને તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીને ઘટના વિશે કોઈને ન કહેવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ કે ફૂટેજ અન્ય નંબરો પર મોકલવામાં આવ્યાં છે કે નહીં.
પીડિતાના જણાવ્યાં મુજબ, જ્યારે હું યુનિયન રૂમમાંથી બહાર નીકળી રહી હતી, ત્યારે તેણે બે રૂમમેટ્સને રૂમમાંથી બહાર નીકાળીને દરવાજો બંધ કરવા કહ્યું. આ થોડી જ સેકન્ડોમાં બન્યું..તે મને વોશરૂમમાં લઈ ગયો અને મારી સાથે બળજબરીથી સેક્સ કરવાનો પ્રયાસ કર્યો. હું તેમના પગે પડી પણ તેમણે મને જવા દીધી નહીં. મેં વારંવાર તેમને વિનંતી કરી કે મને જવા દો, પરંતુ તેમણે મારી અવગણના કરી. તેણે મારા બોયફ્રેન્ડને મારી નાખવાની અને મારા માતા-પિતાની ધરપકડ કરાવવાની ધમકી આપી હતી. તેણે મને વારંવાર ધમકી આપી અને મારા પર બળાત્કાર કર્યો અને ઘટના રેકોર્ડ કરી અને કહ્યું કે તે વીડિયો વાયરલ કરશે.
ગેંગરેપ કેસ
સરકારી વકીલના જણાવ્યાં અનુસાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ગેંગરેપના કેસોમાં સંડોવાયેલા જૂથના તમામ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ, ભલે તે બધાએ બળાત્કારનું કૃત્ય ન કર્યું હોય. આ કેસમાં, બે અન્ય વ્યક્તિઓએ બળાત્કારમાં મદદ કરી હતી. તેથી આ સામૂહિક બળાત્કારનો કેસ છે, અને તેઓ પણ આ કેસમાં આરોપી છે.
મુખ્ય આરોપી કોણ છે ?
મુખ્ય આરોપી જે લો કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે, તેને 45 દિવસ માટે કામચલાઉ નોન-ટીચિંગ સ્ટાફ તરીકે રાખવામાં આવ્યો હતો. તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કોલેજના તૃણમૂલ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ એકમનો પૂર્વ પ્રમુખ અને ટીએમસીના વિદ્યાર્થી સંગઠનની દક્ષિણ કોલકત્તા શાખાનો વર્તમાન પદાધિકારી છે. ઓનલાઈન ફરતા ફોટામાં તેને શાસક પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે પણ દર્શાવવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે આરોપી સાથે કોઈપણ પ્રકારના સંબંધો હોવાનો ઇનકાર કર્યો છે અને જો દોષિત ઠરે તો તેને કડક સજા આપવાની માંગ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/