સ્કૂલો પણ સુરક્ષિત નથી ! જામનગરની સૈનિક સ્કૂલમાં ટીચરે બે સગીરાની કરી છેડતી, પોલીસે દાખલ કર્યો ગુનો

10:36 AM May 15, 2024 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

જામનગરઃ સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતી 12 વર્ષની બે વિધાર્થીનીઓ જાતીય સતામણીનો ભોગ બની છે. સ્કૂલના બેન્ડ માસ્ટરની આ કરતૂત  બહાર આવતા જ સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ય બાળકોના વાલીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. પોલીસે આરોપી બેન્ડ માસ્ટર વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

12 વર્ષની બે વિધાર્થીઓ અહીં સ્કૂલમાં અભ્યાસ કરે છે. મૂળ રાજસ્થાનના જોધપુરના પવન કુમાર જગદીશ કુમાર ડાંગી બેન્ડ માસ્ટર છે. તેના વિચિત્ર વર્તન અંગેની માહિતી સ્કૂલના પ્રિન્સિપાલને મળી હતી, બેન્ડ માસ્ટરે તારીખ 7 થી 12 મે 2024ના સમયગાળા દરમિયાન બંને વિધાર્થીઓની છેડતી કરીને જાતીય સતામણી કરી હતી.

જામનગરના ડેપ્યુટી એસપીએ જણાવ્યું કે સ્કૂલના આચાર્ય નીતિનભાઈ આ મામલે  જોડિયા પોલીસ મથકે આવ્યાં હતા. તેમની ફરિયાદ બાદ બેન્ડ માસ્ટર પવન કુમાર જગદીશ કુમાર ડાંગી વિરુદ્ધ IPCની કલમ 504, 506-2 અને બાળકોના સંરક્ષણની કલમ 8 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિધાર્થીનીએ પ્રિન્સિપાલને કહ્યું હતું કે બેન્ડ માસ્ટરે તેમના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો, તેમની છેડતી કરી હતી, જેના કારણે બંને ખૂબ જ ડરી ગયા હતા. પોલીસે આ કેસમાં યૌન અપરાધ અધિનિયમ 2012 હેઠળ ગુનો નોંધ્યો છે. ડેપ્યુટી એસપીએ કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526