જામનગરઃ બાલાજી વેફર્સના પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યો, ફૂડ વિભાગ આવ્યું હરકતમાં

10:06 AM Jun 20, 2024 | gujaratpost

જામનગરઃ  પુષ્કરધામ સોસાયટીની શેરી નંબર-5માં રહેતા જસમીત પટેલે બાલાજી કંપનીની વેફર્સનું પેકેટ ખરીદ્યું હતું. વેફર્સનું પેકેટ ખોલ્યું, ત્યારે તેમાં એક મૃત દેડકો નીકળ્યો હતો. તેમણે તાત્કાલિક આ અંગે મ્યુનિસિપલ ફૂડ શાખાને ફરિયાદ કરી હતી. ફૂડ શાખાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા, પેકેટ જપ્ત કરીને તપાસ માટે મોકલી આપ્યું હતું.

વેફર્સના પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યો

જામનગરમાં રહેતા જસમીત પટેલે મંગળવારે તેમની દીકરીઓ માટે બાલાજી વેફર્સનું પેકેટ ખરીદ્યું હતું. જ્યારે દીકરીઓએ વેફર્સ ખાવા માટે પેકેટ ખોલ્યું તો તેમાં એક મૃત દેડકો નીકળ્યો હતો. આ પછી દીકરીઓએ આ અંગે પિતાને ફરિયાદ કરી હતી. જસમીત પટેલ જે દુકાનદાર પાસેથી પેકેટ ખરીદ્યું હતું તેની પાસે પહોંચ્યાં હતા. દુકાનદારે કહ્યું કે તે તેની ભૂલ નથી કારણ કે પેકેટ તેની પાસે વિતરક તરફથી આવે છે.

Trending :

ફૂડ બ્રાન્ચે ફરિયાદ નોંધી સેમ્પલ પરીક્ષણ માટે મોકલી આપ્યા

આ પછી તેમને કંપનીના કસ્ટમર કેરને ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી. મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દુકાન પર પહોંચ્યા અને આ બેચના તમામ વેફર્સના પેકેટમાંથી સેમ્પલ લીધા અને પરીક્ષણ માટે મોકલ્યાં હતા. અધિકારીઓનું કહેવું છે કે અમને ફોન આવતાની સાથે જ અમે ત્યાં પહોંચ્યા અને જે પેકેટમાં મૃત દેડકો મળી આવ્યો હતો તેમાંથી સેમ્પલ લીધા અને અન્ય પેકેટમાંથી પણ સેમ્પલ લીધા અને ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા.

બાલાજી વેફર્સ એ ગુજરાત અને પશ્ચિમ ભારતમાં મોટી બ્રાન્ડ

રાજકોટ સ્થિત બાલાજી વેફર્સ એ ગુજરાત અને પશ્ચિમ ભારતની મોટી બ્રાન્ડ છે. તેના પેકેટમાંથી મૃત દેડકો નીકળવો દરેક માટે આશ્ચર્યનો વિષય છે. થોડા દિવસો પહેલા શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં માખીઓ, વંદો અને ગરોળી નીકળવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. જે બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે વેફર્સ પેકેટમાંથી મૃત દેડકો મળી આવતા બાલાજી વેફર્સ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. આ ઘટના બાદ હજુ સુધી બાલાજી વેફર્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526