Jamnagar Rain Update: સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસાદ થઇ રહ્યો છે. ત્યારે મેઘરાજાએ જામનગરને પણ ઘમરોળ્યું છે. શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
જામનગરમાં દિલધડક રેસ્ક્યૂંમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલી રેસ્ક્યૂ ટીમ સાથે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ જોડાયા હતા. જામનગરમાં સાંબેલાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તો ઘરનો આખો એક માળ જ પાણીમાં ડૂબી ગયા છે. લોકોને જીવ બચાવવો કે ઘરવખરી બચાવવી તેની ચિંતા પણ વ્યાપી ગઈ છે.
જામનગર શહેરમાં 15.5 ઈંચ તો જિલ્લામાં 10 થી 15 ઈંચ વરસાદને કારણે તારાજી જ જોવા મળી રહી છે. લોકોના ઘરની અંદર પાણી ઘુસી ગયા છે અને બહાર નીકળવા સીડીનો સહારો લેવો પડી રહ્યો છે. આખે આખી રાત આવી જ રીતે રહેવા માટે લોકો મજબૂર બન્યાં છે. ઉપરથી વીજળી પણ ગુલ છે ગઈકાલ સવારથી વીજળી નથી જેથી રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોની અપીલ કરી છે કે તેઓ કામ વગર બહાર ન નીકળે, જો જરૂર ન હોય તો તમે જ્યાં છો ત્યાં જ રહેજો. લોકોએ પણ આ વરસાદી માહોલમાં સાવધાની રાખવી જરૂરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526