કોંગ્રેસના એક પણ નેતા સ્ટેચ્યૂં ઓફ યુનિટી નથી ગયા, જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને નકલી દેશભક્ત ગણાવ્યાં

10:19 PM Aug 10, 2024 | gujaratpost

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ શનિવારે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું, તેમણે કોંગ્રેસના નેતાઓને નકલી દેશભક્ત ગણાવ્યાં અને તેમના પર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. નડ્ડાએ કોંગ્રેસના નેતાઓ પર માત્ર એક જ પરિવારની સંભાળ રાખવાનો આરોપ લગાવ્યો હતો.

નડ્ડાએ રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પહેલા એક સભાને સંબોધિત કરતી વખતે નડ્ડાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે આ સંકુચિત અને નાના વિચારોવાળા લોકો 'ભારત જોડો યાત્રા' દ્વારા ભારતને એક કરવામાં વ્યસ્ત છે પરંતુ તેઓએ ભારતને એક કરવા માટે સરદાર પટેલના યોગદાનને યાદ રાખવું જોઈએ.

જેપી નડ્ડાએ કોંગ્રેસ પર ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સહિત અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને ભૂલી જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજ સુધી એક પણ કોંગ્રેસી નેતા કેવડિયામાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂંં ઓફ યુનિટી પર ફૂલ અર્પણ કરવા ગયા નથી. જેમણે 562 રજવાડાઓને ભેગા કરીને આ મહાન ભારતનું નિર્માણ કર્યું છે.

દેશની જનતા અને તેના યુવાનો આ નકલી દેશભક્તોને સત્ય બતાવશે જેઓ પોતાના હિતો માટે સમાજમાં ભાગલા પાડે છે. કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીનો હવાલો સંભાળતા નડ્ડાએ કોંગ્રેસના નેતાઓને યાદ અપાવ્યું કે દેશની આઝાદી માટે બલિદાન આપનારા સરદાર પટેલ અને અન્ય દેશભક્તોના યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. નડ્ડાએ યુવાનોને 2047 સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં યોગદાન આપવાનો સંકલ્પ લેવાની અપીલ કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526