+

હોર્મુઝની ખાડીમાંથી ભારતનું 7મું LPG ટેન્કર સુરક્ષિત પસાર, ઈરાને ખાસ સંદેશ મોકલી ગુજરાત સાથેના ઐતિહાસિક સંબંધ કર્યો યાદ

મુંબઈઃ મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી તંગદિલી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે.  ભારતનું સાતમું LPG ટેન્કર ‘ગ્રીન સાન્વી’ હોર્મુઝ સ્ટ્રેટ

મુંબઈઃ મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી તંગદિલી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે.  ભારતનું સાતમું LPG ટેન્કર ‘ગ્રીન સાન્વી’ હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પસાર કરી ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ સફળતા બાદ ઈરાને ભારત માટે એક અત્યંત વિશેષ અને ભાવુક સંદેશ જાહેર કર્યો છે.

મુંબઈ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પોસ્ટનો જવાબ આપતા ભારત સાથેના સંબંધોને વાગોળ્યા હતા. ઈરાને લખ્યું કે, ભારત અને ખાસ કરીને ગુજરાત અમારા સહિયારા ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સદીઓ પહેલા અહીંના લોકોએ અમારા પૂર્વજોનું ખુશીથી સ્વાગત કર્યું હતું.

ઈરાને 4,000 વર્ષ જૂના લોથલ બંદરનો ઉલ્લેખ કર્યો, જે સિંધુ ખીણની સભ્યતાને ઈરાની (ફારસી) તટ સાથે જોડતું હતું. ઈરાને ઉમેર્યું કે તેઓ આ અતૂટ બંધનને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. હર્ષ સંઘવીએ આ ઘટનાને ભારતની મોટી રાજદ્વારી જીત ગણાવી હતી.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ પૂરો પાડે છે. હાલની યુદ્ધની સ્થિતિને કારણે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે.

અત્યાર સુધીમાં ભારતના 6 જહાજો સુરક્ષિત રીતે ભારતીય બંદરો પર પહોંચી ચૂક્યા છે અને 'ગ્રીન સાન્વી' સાતમું જહાજ છે. હજુ પણ અંદાજે 17 ભારતીય જહાજો હોર્મુઝની પશ્ચિમ તરફ ફસાયેલા છે. ઈરાને ઈઝરાયેલ સાથે સંકળાયેલા જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ 5 મિત્ર દેશો માટે આ રસ્તો ખુલ્લો રાખ્યો છે.

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે ઈઝરાયેલના હુમલાઓનો જવાબ આપશે અને તેનાથી સંબંધિત કોઈ પણ જહાજને અહીંથી પસાર થવા દેશે નહીં. આ ઉપરાંત, ઈરાન હવે આ વ્યૂહાત્મક માર્ગ પરથી પસાર થતા જહાજો પર શુલ્ક (ટેક્સ) વસૂલવાની યોજના પણ બનાવી રહ્યું છે.

facebook twitter