(Photo: AFP)
Ismail Haniyeh Death: હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈસ્માઈલ હાનિયાની ઈરાનમાં હત્યા કરવામાં આવી છે. ઈરાનની સેના ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડે આ વાતની પુષ્ટિ કરી છે.તેહરાનમાં ઇસ્માઇલ હાનિયાના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હાનિયા તેમના એક અંગરક્ષકની સાથે માર્યા ગયા છે.
ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સના જનસંપર્ક વિભાગે જણાવ્યું કે હુમલો બુધવારે સવારે થયો હતો. ઈસ્માઈલ હાનિયાના મોત પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને પેલેસ્ટાઈનના લોકો માટે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું છે. હમાસે નિવેદન જારી કરીને ઈસ્માઈલ હાનિયાના મોતની પુષ્ટિ કરી છે અને ઈઝરાયેલ પર હત્યાનો આરોપ પણ લગાવ્યો છે. જો કે ઈઝરાયેલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ પહેલા મંગળવારે ઈસ્માઈલ હનિયાએ ઈરાનના નવા રાષ્ટ્રપતિના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ઈરાનના સુપ્રીમ લીડરને પણ મળ્યાં હતા.
IRGCના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે વહેલી સવારે થયેલા હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. હાનિયાની સાથે તેના બોડી ગાર્ડની પણ હત્યા કરવામાં આવી છે. ઈસ્માઈલ હાનિયા મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.
ઈસ્માઈલ હાનિયા પેલેસ્ટિનિયન નેતા હતા. તેમનો જન્મ 1962માં ગાઝા પટ્ટીના એક શરણાર્થી શિબિરમાં થયો હતો. હમાસના વડા બન્યાં બાદ હાનિયાએ વર્ષ 2029માં ગાઝા પટ્ટી છોડી દીધી હતી. હમાસનું નેતૃત્વ સંભાળ્યાં બાદ હાનિયાએ ડિસેમ્બર 2019માં ગાઝા પટ્ટી છોડી દીધી હતી. તેમની દેખરેખ હેઠળ જ હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર મિસાઈલ છોડી હતી. અત્યાર સુધી કોઈએ હાનિયાની હત્યાની જવાબદારી લીધી નથી. જોકે, ઈરાની મીડિયા તેની હત્યા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવી રહ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526