પાકિસ્તાનના કરાંચીમાં જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત, આતંકી સંગઠને લીધી જવાબદારી

10:20 AM Oct 07, 2024 | gujaratpost

3 વિદેશી નાગરિકોનાં મોત થઇ ગયા, 17 ઘાયલ

અનેક વિસ્તારોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો

International News: પાકિસ્તાનના કરાંચીમાં જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક મોડી રાત્રે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ વિદેશી નાગરિકોના મોત થયા છે. જ્યારે 17થી વધુ લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલાઓમાં બે ચીની નાગરિકો પણ છે.

ચીનની એમ્બેસીએ જણાવ્યું હતું કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે 11 વાગ્યે બની હતી. અહીં જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. સિંધ પ્રાંતમાં પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આતંકી સંગઠન બલૂચિસ્તાન નેશનલ આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે.

સિંધ પ્રાંતના ગૃહ પ્રધાન ઝિયા ઉલ હસન લંજરે આશંકા વ્યક્ત કરી હતી કે વિસ્ફોટ માટે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તમામ ઘાયલોને સારવાર માટે જિન્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટના સ્થળની નજીક આગની મોટી જ્વાળાઓ દેખાઈ રહી હતી. નોર્થ નાઝીમાબાદ અને કરીમાબાદ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. એટલું જ નહીં, એરપોર્ટ નજીક કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526