અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદનો સિલસિલો યથાવત છે. સતત વરસાદને કારણે નદીઓના પાણીમાં ઉછાળો આવ્યો છે અને અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઠેર-ઠેર દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન, શીયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
30મી જુલાઈએ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ સિવાય 31 જુલાઈના રોજ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 276 મીમીની સામે 413.1 મીમી વરસાદ થયો છે. મધ્ય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જારી રહેશે. અહીં 451 મીમી વરસાદ પડવો જોઈતો હતો, અત્યાર સુધીમાં 431 મીમી વરસાદ થયો છે. ગુજરાતમાં કુલ 353 મીમી વરસાદ પડવો જોઈતો હતો અને અત્યાર સુધીમાં 418 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગુજરાતમાં સરેરાશ કરતાં 18 ટકા વધુ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્ર બાદ હવે વડોદરા અને અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. IMD એ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર. મોરબી અને બોટાદમાં વરસાદની આગાહી કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526