હરિયાણાઃ શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 8 લોકોનાં મોત થઇ ગયા

11:56 AM May 18, 2024 | gujaratpost

હરિયાણાઃ કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 8 લોકો જીવતા બળીને મોતને ભેટ્યાં હતા. જ્યારે 24થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. બસમાં કુલ 60 લોકો સવાર હતા. ઘાયલ લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ચાલતી બસમાં આગની જ્વાળાઓ જોઈને સ્થાનિક લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી છે. જેઓ મથુરા અને વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યાં હતા. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

બસમાં સવાર તમામ લોકો નજીકના સગા હતા

શ્રદ્ધાળુઓ પ્રવાસી બસ ભાડે કરીને બનારસ અને મથુરા-વૃંદાવન દર્શન માટે નીકળ્યાં હતા. બસમાં 60 લોકો સવાર હતા. બધા નજીકના સગા હતા. જેઓ પંજાબના લુધિયાણા, હોશિયારપુર અને ચંદીગઢના રહેવાસી હતા. શુક્રવાર-શનિવારે રાત્રે દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી.

બસ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી

મદદ માટે સ્થળ પર પહોંચેલા ગ્રામવાસીઓએ જણાવ્યું કે રાત્રે લગભગ 1:30 વાગ્યે તેઓએ ચાલતી બસમાં જ્વાળાઓ જોઈ હતી. તેમને બૂમો પાડીને ડ્રાઈવરને બસ રોકવા કહ્યું હતુ, પણ બસ ઉભી ન રહી. ત્યારબાદ એક મોટરસાઇકલ સવાર યુવકે બસનો પીછો કરીને ડ્રાઇવરને આગ અંગે જાણ કરી હતી. ત્યારબાદ બસ ઉભી રહી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસમાં લાગેલી આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી. ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ થોડા જ સમયમાં ત્યાં પહોંચી ગઇ હતી. ત્યાં સુધીમાં બસમાં મુસાફરી કરી રહેલા લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાંથી 8 લોકોનાં મોત થયા હતા. તાવડુ સદર પોલીસે એમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. હાલ મૃતકોની ઓળખ થઈ નથી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526