Gujaratpost Fact Check: 2024ની સામાન્ય ચૂંટણીઓની વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યાં છે કે જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે બંધારણને ખતમ કરી દઈશું. પરંતુ આ વીડિયો સત્ય નથી.
છત્તીસગઢના બિલાસપુરમાં એક જાહેર સભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપના એક નેતાએ નહીં પરંતુ ઘણા બધા નેતાઓએ કહ્યું છે કે જો અમારી સરકાર બનશે, તો આ વખતે અમે બંધારણને ખતમ કરી દઈશું. આ બતાવે છે કે રાહુલ ગાંધીનું ભાષણ એવી રીતે ક્લિપ કરવામાં આવ્યું છે કે જાણે તેઓ જ આ વાત કહી રહ્યાં હોય, કોંગ્રેસ પાર્ટી બંધારણને ખતમ કરવાની યોજના બનાવી રહી છે તેવા મેસેજ ખોટા છે.
આ સિવાય તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી લોકશાહી, અનામત, બંધારણ અને ગરીબોના અધિકારોને બચાવવાની લડાઈ બની ગઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ભાજપથી બંધારણની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
દાવોઃ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવ્યાં બાદ બંધારણને ખતમ કરી દેવાશે.
હકીકતઃ વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી બંધારણને ખતમ કરવા અથવા તેને બદલવા અંગે ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ વિશે વાત કરી રહ્યાં છે. તેથી આ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે.
રાહુલ ગાંધીનો એક ક્લિપેડ વીડિયો એ રીતે શેર કરવામાં આવી રહ્યો છે કે જાણે તેઓ બંધારણને રદ કરવાની કોંગ્રેસની યોજના વિશે વાત કરી રહ્યાં હોય. પરંતુ આ વીડિયો ખોટી રીતે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે, અમારી ફેક્ટ ચેકની ટીમે આ વીડિયોને યુટ્યૂબ અને કોંગ્રેસના કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શોધીને તપાસ કરી, તો જાણવા મળ્યું કે વીડિયોને એડિટ કરીને તેને ખોટી રીતે વાઇરલ કરાયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526