(તસવીર સૌજન્યઃ @IMDAHMEDABAD)
- 28 ડિસેમ્બર બાદ ફરી એક વખત ઠંડીનું મોજુ ગુજરાતમાં ફરી વળશે
અમદાવાદઃ ગુજરાતના વિવિધ ભાગોમાં આજથી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે ત્યારે માવઠાથી ધરતીપુત્રોની મુસીબત વધી શકે છે.
27 ડિસેમ્બરના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે, જેને કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે. ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેથી ઉત્તર ભારતથી બર્ફિલા પવન ગુજરાત સુધી આવી રહ્યા છે. બીજી તરફ વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે આવતા ભેજ અને વરસાદની સંભાવના છે. 28 ડિસેમ્બર બાદ ફરી એક વખત ઠંડીનું મોજુ ગુજરાતમાં ફરી વળશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી .
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.