Big Story: શું IAS જેનુ દેવન સુરતના રૂ.100 કરોડના જમીન કૌભાંડથી ખરેખર અજાણ હશે ? ગોચર ખાઇ જનારાઓ સામે સીએમ ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક કાર્યવાહી કરે

10:12 AM Nov 29, 2024 | gujaratpost

(ફાઇલ ફોટો)

સુરતઃ આ અહેવાલ વાંચ્યાં પછી તમે પણ વિચારતા થઇ જશો કે આપણા ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે, એક પછી એક જમીનના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અને આવા કૌભાંડોમાં કૌભાંડીઓ ભાજપ સાથે જ જોડાયેલા હોય છે, કૌભાંડી અધિકારીઓ પણ ભાજપના સપોર્ટથી જ આટલા મસમોટા કૌભાંડો કરીને ભ્રષ્ટ બની ગયા છે. આજે અમે વધુ એક સુરતના જમીન કૌભાંડની વાત કરી રહ્યાં છીએ,સુરત એરપોર્ટ પાસેની અંદાજે રૂપિયા 2,000 કરોડની જમીનના કૌભાંડમાં તત્કાલિક કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા, ગાંધીનગર જમીન કૌભાંડમાં તત્કાલિન કલેક્ટર એસ.કે.લાંગાને ઘરભેગા કરાયા હતા, આવા કૌભાંડો અમદાવાદમાં થયા છે અને હવે સુરતનું મસમોટું બીજું જમીન કૌભાંડ સામે આવ્યું છે.

ગોચરની જમીન માફિયાઓ અને અધિકારીઓની મીલિભગતથી વેંચાઇ ગઇ  

Trending :

100 કરોડ રૂપિયાની જમીનનો દસ્તાવેજ પણ કરી નાખ્યો

સુરતના મગોબ સમસ્ત ગામની જમીન ચાઉં થઇ ગઇ

ગ્રામ પંચાયત કે ચેરિટી કમિશનરની પણ મંજૂરી નથી

અંદાજે ચાર વીઘા ગૌચરની જમીનના ખોટા ઠરાવો બનાવાયા, 24 કરોડની જમીન બતાવીને 1.70 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી

સરકારનો રજિસ્ટ્રાર વિભાગ, સુરત નવાગામ સબ રજિસ્ટ્રાર, મહેસૂલ વિભાગ, ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે

સુરતના પુના તાલુકાના મગોબ ગામની સર્વે નંબર 3- બ, બ્લોક નંબર 156 પૈકી 1, ક્ષેત્રફળ 7891 ચો.મીટર (કોતર, ઢોર ચરણ માટેની) જમીનનો ખેલ પાડી દેવામાં આવ્યો, મગોબ ગામ સમસ્તના વહીવટકર્તા રાજેન્દ્રસિંહ પ્રતાપતિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય પાંચ લોકોએ એક નકલી ઠરાવ ઉભો કરીને આ કરોડો રૂપિયાની જમીનનો સોદો કરી નાખ્યો છે. રાજેન્દ્રસિંહ ગોહિલ, જમીન લેનારા કેતનસિંહ ફતેસિંહ ગોહિલ અને મહેશ બારોટ સામે તાત્કાલિક સરકારે તપાસ કરવી જોઇએ. સર્વે નંબર 156 પૈકી 1 ની આ જમીન વર્ષોથી મગોબ ગામ સમસ્તના વહીવટકર્તા કમિટીના નામે હતી, બાદમાં નહેર માટે તેને સંપાદન કરાઇ હતી, પછી ફરીથી આ જમીન મગોબ ગામ સમસ્તના વહીવટકર્તાઓને નામે થઇ હતી અને થોડા સમય પહેલા જ તે ખાનગી વ્યક્તિઓના નામે કરી દેવામાં આવી.

જમીન માફિયાઓનો ખેલ, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની ચર્ચાઓ

અંદાજે 100 કરોડ રૂપિયાની ટીપી 64 પર આવેલી આ જમીનનો ખેલ પાડવા ઘણા મહિનાઓથી ષડયંત્ર રચાયું હતુ, ગત દિવાળી પર સબ રજીસ્ટ્રાર, નવાગામે આ એન્ટ્રી પાડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો,પરંતુ તેઓ રજા પર જતા જ સુરત જિલ્લાના નિરીક્ષક સતિષ કળથિયાએ તેમના મળતિયા કલાર્ક દર્શન પટેલને સબ રજીસ્ટ્રાર નવાગામનો ચાર્જ આપીને આ ખેલ પાડી દીધો.

IAS જેનું દેવનના વિભાગમાં અંદાજે 100 કરોડ રૂપિયાની ગોચરની જમીન ચાઉં થઇ ગઇ

આઇએએસ અધિકારી જેનુ દેવન, મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી, સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણીસર નિરીક્ષકના વિભાગમાં સુરતનું આ મસમોટું કૌભાંડ થઇ ગયું છે, અગાઉ પણ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં ગોચરની જમીનો જમીન માફિયાઓ ખાઇ ગયા હોવાના અનેક કિસ્સા છે, ત્યારે આ મામલે ભ્રષ્ટાચાર સામે લડત ચલાવી રહેલા આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહેલા તો જેનુ દેવન સામે જ તપાસ કરવી જોઇએ, આટલું મોટું જમીન કૌભાંડ થઇ જાય અને આ ઉચ્ચ અધિકારી તેનાથી અજાણ હોય તે વાતમાં દમ નથી.

રૂપિયા 5 કરોડની લાંચ આપવામાં આવી હોવાની સ્થાનિક કક્ષાએ ચર્ચાઓ

આ સમગ્ર કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાનું ગામના લોકો કહી રહ્યાં છે, દિવાળી પર જ આ સમગ્ર ખેલ કરી નાખવામાં આવ્યો હતો, સુરત જિલ્લા નોંધણી નિરીક્ષક સતિષ કળથિયા, દર્શન પટેલ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સહિત આ કેસ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ- અધિકારીઓ સામે તપાસ જરૂરી છે, ત્યારે હવે જોવું રહ્યું કે ગોચર ખાઇ જનારા જમીન માફિયાઓ અને તેમાં સંડોવાયેલા અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલની સરકાર શું કાર્યવાહી કરે છે ????

(ટીપી નંબર 64 પર આ જમીન આવેલી છે, જેને દર્શાવવા અમે આ ફોટો મુકેલો છે)

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++