રાજ્યમાં ચોમાસાનો નવો રાઉન્ડ થયો શરૂ, આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર- Gujarat Post

09:53 AM Jul 16, 2024 | gujaratpost

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

માછીમારોને દરિયો ન ખેડવા સલાહ

Gujarat Monsoon: અમદાવાદમાં અસહ્ય ઉકળાટ બાદ સોમવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી વાતાવરણ વાદળછાયું છે. હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા આંકડાઓ જાહેર કર્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમા સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં છ ઈંચ, નર્મદાના નાંદોદમાં સવા પાંચ ઈંચ, નર્મદાના તિલકવાડામાં સવા ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં ચાર ઈંચ, અમરેલીના લીલીયામાં પોણા ચાર ઈંચ, સુરતના મહુવામાં પોણા ચાર ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે,16થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટીંગ કરશે. કેટલાક વિસ્તારોમાં 15 ઈંચ વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 થી 18 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યાર બાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અતિભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526