સૈયદ મોઈનુદ્દિને દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી કરી હતી
લખનઉમાં RSSના કાર્યાલયની રેકી કરી હતી. દિલ્હીમાં સૌથી મોટી આઝાદ મંડીની રેકી કરી હતી
અમદાવાદમાં પણ ટાર્ગેટ શોધી રહ્યાં હતા આતંકીઓ
અમદાવાદ: ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ સમક્ષ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યાં છે. ગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા આ ત્રણેય આતંકીઓને તેમના વિદેશી આકાઓ દ્વારા હુમલાની યોજના અંગેની માહિતી એક સાથે આપવાને બદલે ટુકડે ટુકડે આપવામાં આવતી હતી. ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા. તેઓ આપણે બદલો લેવાનો છે, આપણે કંઇક કરવું જોઈએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે,જેવી ઉશ્કેરણીજનક વાતો કરીને પોતાની પ્રવૃત્તિઓ આગળ વધારી રહ્યાં હતા.
આતંકીઓ આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોની રેકી કરી હોવાનું કબૂલ્યું છે, જે દર્શાવે છે કે તેઓ ગુજરાતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. ગુજરાત ATSને બાતમી મળી કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખ્સ ગુજરાત આવ્યો છે.
ATSની ટીમે બાતમીની ખરાઈ કરી અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા તેની મૂવમેન્ટ ચેક કરી. દિવસભરની મહેનત બાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ મોહ્યુદ્દીનની કાર કલોલ તરફ જતી જોવા મળી. ATSની ટીમે તાત્કાલિક એક પીઆઈને તેમની ટીમ સાથે તૈયાર રહેવાની સૂચના આપી અને તેમને અડાલજ ટોલ પ્લાઝા ખાતે મોકલી દેવાયા હતા. ટોલ પ્લાઝા પર પહોંચીને, વોચમાં રહેલા પીઆઈને આરોપીની કાર દેખાતા જ તરત જ ૩ ટોલ ગેટ બંધ કરાવીને માત્ર એક જ ગેટ ચાલુ રખાવ્યો. જેથી મોહ્યુદ્દીનની કાર આગળ-પાછળના અન્ય વાહનોની વચ્ચે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. સામાન્ય ચેકિંગના બહાને ATSની ટીમે કારની તપાસ કરી તો અંદરથી એક ડબ્બો મળી આવ્યો, જેમાં હથિયારો હતા. ઉપરાંત, કારમાંથી કેસ્ટર ઓઇલ ભરેલું 10 લીટરનું કન્ટેનર અને મોહ્યુદ્દીનના પાનકાર્ડ પણ મળ્યાં હતા.
ATSની ઓફિસે લાવીને મોહ્યુદ્દીનની પૂછપરછ કરાઈ. તેણે કબૂલ્યું કે 7 તારીખે સવારે જ અમદાવાદ આવ્યો હતો, તેને કલોલના એક કબ્રસ્તાન પાસેથી હથિયારો લેવાનું કહેવામાં આવ્યું હતું. મોહ્યુદ્દીનનો ફોન તપાસતા તેમાં તેના વિદેશી આકા 'અબુ ખદીજા સાથેની વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટ્સ મળી આવી. અબુ ખદીજાએ મોહ્યુદ્દીનને કહ્યું હતું કે જો કલોલમાં હથિયાર ન મળે તો એક ભારતીય નંબર પર કોન્ટેક્ટ કરવો. અબુ ખદીજાએ આપેલા ભારતીય નંબરનું લોકેશન કાઢવામાં આવ્યું તો તે પાલનપુરનું આવ્યું હતું.
રાત્રે 12 વાગ્યાની આસપાસ ATSની એક ટીમ પાલનપુર રવાના થઈ હતી. ચોક્કસ લોકેશન ન હોવા છતાં, ઘણી હોટલોમાં તપાસ કર્યા પછી આખરે એક હોટલમાંથી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલ નામના બે આતંકીઓ મળી આવ્યાં હતા. બંનેએ કબૂલ્યું કે તેમને આ હથિયાર રાજસ્થાનના હનુમાનગઢથી લઈને કલોલમાં કઈ જગ્યાએ મૂકવાના છે તેનું લોકેશન આપવામાં આવ્યું હતું, અને ત્યારબાદ પાલનપુર જઈને રોકાવાનું કહેવામાં આવ્યું હતું. હાલમાં આતંકવાદીઓની વધુ પૂછપરછ કરાઇ રહી છે.