અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post

08:29 PM Apr 28, 2025 | gujaratpost

ગોંડલઃ ગણેશ જાડેજાએ આપેલા પડકાર બાદ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આજે ગોંડલ આવ્યાં હતા. જ્યાં તેમની કાર પર હુમલો થયો હતો. અલ્પેશનો ગોંડલના સ્થાનિકોએ હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે વિરોધ કર્યો હતો. આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યાં બાદ કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલા બાદ અલ્પેશે જણાવ્યું કે, જ્યાં સુધી અમે ગોંડલમાં રહીશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવે તો તેના પર હુમલા કરવામાં આવે છે. ગોંડલમાં કાયદ-વ્યવસ્થાની સ્થિતિને અમુક વ્યક્તિના ઈશારે નચાવવામાં આવી રહી છે.

મીડિયા સાથે વાતચીતમાં અલ્પેશ કથીરિયાનો વિરોધ કરતાં જયરાજસિંહના સમર્થકોએ જણાવ્યું કે, ગોંડલમાં કોઈ જ્ઞાતિવાદ છે જ નહીં. જ્યારે પણ ગણેશ જાડેજા પાસે જઈએ છીએ ત્યારે ન્યાય મળે છે. એટલું જ નહીં ગણેશના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટર્સ સાથે પ્રદર્શનકારીઓએ હાઈવે પર ઠેર ઠેર અલ્પેશનો વિરોધ કર્યો હતો.

જયરાજસિંહ જાડેજાએ કહ્યું, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોકોનો રોષ જોઇને કેટલાક તત્વોએ ગોંડલ છોડીને જતુ રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપો કરાય છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ આપ્યું છે. જયરાજસિંહ જાડેજાએ પડકાર અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકતા કહ્યું કે 2027માં અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ વિરોધ કરવા આવી જાય છે.