ગોંડલઃ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા ગોંડલના જાટ યુવાન રાજકુમારના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં અનેક ચોંકાવનારી વિગતો છે. ફોરેન્સિક રિપોર્ટ કરતા પ્રથમ પીએમમાં 25 ઇજાઓ ઓછી બતાવવામાં આવી છે. મેડિકલ ઓફિસરે પ્રથમ પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે તેઓને આટલી ઇજાઓ નહીં દેખાઇ હોય અથવા તો જાણી જોઇને ઓછી બતાવવામાં આવી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.
બીજી તરફ અકસ્માતમાં મોતના કેસની તપાસ ચલાવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી.રજયાની તપાસ ચાલુ છે, તેઓ માત્ર એટલું જ રટણ કરી રહ્યાં છે કે આ અકસ્માત હતો, હવે પ્રથમ રિપોર્ટની પણ વિગતો સામે આવી છે ત્યારે રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઘટનાને હવે કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું. ગોંડલના જાટ યુવાન રાજકુમાર કણસતી હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ લવાયા બાદ તેનું સારવાર મળે તે પહેલાં મૃત્યુ નીપજ્યું હતું, 4 માર્ચે સવારે 7.20 કલાકે મેડિકલ ઓફિસરે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતુ, જેમાં 17 ઇજાઓના નિશાન બતાવ્યાં હતા. ત્રણ ડોક્ટરની પેનલ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં 42 ઇજાઓના નિશાન બતાવાયા હતા.
રાજકુમારના મૃતદેહનું પ્રથમ પીએમ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે કર્યું ત્યારે મૃતકની ઓળખ થઇ ન હતી. ઓળખ થયા બાદ પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરતાં ફોરેન્સિક નિષ્ણાંતોએ બીજી વખત પીએમ કર્યું હતું. બંને પોસ્ટમોર્ટમ રિપોર્ટનું નિષ્ણાત તબીબોએ અવલોકન કરતાં પ્રથમ પોસ્ટમોર્ટમમાં કુવાડવા પોલીસ અને પીએમ કરનાર ડોક્ટરે કરેલી ગુનાહિત બેદરકારી સામે આવી હતી. આ કેસમાં પોલીસ ચોક્કસ ઇરાદે ડોક્ટરનો સંપર્ક કરીને ઓછી ઇજા બતાવવા ખેલ પાડે અથવા તો ગુનેગાર પોતાને કોર્ટ કાર્યવાહીમાં લાભ થાય તે માટે ઓછી ઈજા દેખાડવાનું કહી શકે છે. બીજી તરફ રાજસ્થાન અને દેશભરનો જાટ સમાજ આ કેસમાં ન્યાયની આશા રાખીને બેઠો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++