દબાણકારો પુરાવા રજૂ ન કરી શક્યા
190 ગેરકાયદેસર દબાણો તોડવાનું શરૂ
ગાંધીનગર: દહેગામ તાલુકાના બહિયાલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાનો બાદ પોલીસ તંત્ર કડક એક્શન મોડમાં આવી છે. ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરાવવા વહેલી સવારથી કામ શરૂ કરી દેવાયું છે. પ્રશાસન દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર કાચા-પાકા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તોફાનો બાદ ઉત્તર પ્રદેશના બરેલીની જેમ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શનની માગણી ઊઠી હતી. જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ તમામ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આ અલ્ટિમેટમની સમય મર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ કે સંબંધિત અધિકારીઓ સમક્ષ બાંધકામનો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હતો. જેથી આજે ગુરુવાર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સરકારનો આ કડક નિર્ણય સ્પષ્ટ સંદેશ આપે છે કે જાહેર શાંતિ ડહોળનારાઓને છોડવામાં આવશે નહીં.