G7 દેશોએ ઈઝરાયેલને આપ્યું સમર્થન, ટ્રમ્પ સમિટ છોડીને રવાના થયા- Gujarat Post

12:37 PM Jun 17, 2025 | gujaratpost

ટોરેન્ટોઃ ઈરાન સામેની લડાઈમાં G7 દેશોએ ખુલ્લેઆમ ઈઝરાયેલને ટેકો આપ્યો છે. એક નિવેદનમાં, G7 દેશોએ ઈઝરાયેલને ટેકો આપ્યો હતો અને તેના હરીફ ઈરાનને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનું મૂળ કારણ ગણાવ્યું હતું. નિવેદનમાં આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવાની હાકલ કરવામાં આવી.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે હવાઈ યુદ્ધ ગયા શુક્રવારે શરૂ થયું હતું, ઈઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. જવાબમાં ઈરાને પણ ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. તેનાથી આ વિસ્તારમાં તણાવ અને ચિંતા વધી છે. ઓક્ટોબર 2023માં ગાઝા પર ઈઝરાયેલના લશ્કરી હુમલાની શરૂઆતથી અહીં તણાવ હતો.

ઇઝરાયેલ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઇરાની અધિકારીઓએ તહેરાનમાં મોસાદ ડ્રોન બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે, એમ ARY ન્યૂઝે ઇરાની સમાચાર એજન્સી IRNA ને ટાંકીને અહેવાલ આપ્યો હતો.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ G7 પરિષદ માટે કેનેડા પહોંચ્યાં હતા, પરંતુ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા સંઘર્ષને કારણે ટ્રમ્પ હવે એક દિવસ વહેલા પાછા ફરી રહ્યાં છે. ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને પશ્ચિમ એશિયામાં તેમના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફને ઈરાન સાથે બેઠક કરવા સૂચના આપી છે. ટ્રમ્પ માને છે કે ઈરાન વાટાઘાટો કરવા તૈયાર રહેશે.

આ સમિટમાં G7 દેશ તથા આમંત્રિત દેશના નેતાઓ એનર્જી સિક્યુરિટી, ટેકનોલોજી, ઈનોવેશન જેવા વિષય પર ચર્ચા કરવાના છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી તથા ઉર્જા પર વિશેષ ધ્યાન અપાશે. નોંધનિય છે કે પીએમ મોદી પણ આ સમિટમાં ભાગ લઇ રહ્યાં છે.