આવી રીતે થશે સનાતન ધર્મની રક્ષા ? ભવનાથના મહંત બનવા રૂપિયા 8 કરોડ આપ્યાંનો જૂના અખાડાનો પત્ર જાહેર થતાં ખળભળાટ

10:57 AM Nov 22, 2024 | gujaratpost

પાર્ટી ફંડમાં રૂપિયા 5 કરોડ, બે કલેકટરને 50-50 લાખ રૂપિયા આપ્યાનો પત્રમાં ઉલ્લેખ

ભવનાથમાં સાધુઓને પણ લાખો રૂપિયા વહેંચ્યાનો ઉલ્લેખ

જૂનાગઢઃ રાજ્યમાં સાધુઓના સમયાંતરે કોઈને કોઈ કિસ્સા સામે આવતા રહે છે. ભવનાથના મહંત બનવા પાણીની જેમ રૂપિયા વહાવ્યાં હોવાનો પત્ર સામે આવ્યો છે. જેને લઇને ખળભળાટ મચી ગયો છે. ભૂતનાથના મહંત મહેશગીરીએ પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કરી ભવનાથના મહંત હરિગીરી પર ગંભીર આરોપ લગાવ્યો છે.

અખાડામાંથી હરિગીરીએ રકમ લઈને ભાજપ પાર્ટી ફંડમાં તથા બે કલેક્ટર, ભવનાથના સાધુ-સંતોને મળીને કુલ 8 કરોડ રૂપિયા આપ્યાં હોવાનું દર્શાવતો કથિત પત્ર રજૂ કર્યો છે. અખાડા પરિષદના મહામંત્રી અને જુના અખાડાના સંરક્ષક તથા ભવનાથના મહંત હરિગીરીની સહીવાળો શ્રી પંચ દશનામ જૂના અખાડાનો પત્ર ભૂતનાથના મહંત મહેશગીરીએ જાહેર કર્યો છે.

પત્રમાં કથિતપણે લખ્યા મુજબ, મહંત હરીગીરી ગુરૂદત્તાત્રેગીરિી ભવનાથ મંદિરને અખાડામાં સામેલ કરવા માટે હરીગીરીના નામ જોગ કલેક્ટર અને મહમંડલેશ્વર ભારતી બાપુ, ઈન્દ્રભારતી, મહાદેવગીરી, મુક્તાનંદગીરી સહિતનાઓએ મળીને ભવનાથ મંદિરનો કબ્જો ભોગવટો મને સોંપવા માટે સહયોગ આપ્યો છે તે માટે મારા પાસે રહેલા નાણાંમાંથી તમામને આપ્યા છે. મારો કાયમી હુકમ કલેક્ટર કરી દેશે ત્યારે ભવનાથ મંદિર મારી માલિકીનું થઈ જશે.

પત્રમાં ઉલ્લેખ મુજબ ભાજપના રાષ્ટ્રીય ફંડમાં પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. બે કલેક્ટરોને, મહામંડલેશ્વર ભારતી બાપુને 50-50 લાખ રૂપિયા, ઈન્દ્રભારતી, સિધ્ધેશ્વરગીરી, મહાદેવગીરી, મુક્તાનંદગીરી કમંડલકુંડ, જયશ્રીગીરીને 25-25 લાખ, શિવધુણાવાળા મહંત, સેવાદેવી પુનીતાચાર્યને 15-15 લાખ રૂપિયા આપવામાં આવ્યાં છે. ત્યારે આ પત્ર સામે આવ્યાં બાદ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે, રૂપિયાના જોરે સનાતન ધર્મની રક્ષા કરવાની વાતો સામે રોષ વ્યાપી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++