Gujaratpost Fact check news: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને લઇને એક પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે મોહમ્મદ યુનુસે ડોનાલ્ડ ટ્રમ્પને મસીહા કહ્યાં છે. યુઝર્સ આ પત્રને સાચો માની રહ્યાં છે અને તેને શેર પણ કરી રહ્યાં છે. પરંતુ જ્યારે ગુજરાત પોસ્ટે આ પત્રની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે તે સંપૂર્ણપણે નકલી અને એડિટ છે. અમેરિકામાં તાજેતરની ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત માટે દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યાં છે. આ સંદર્ભમાં, મોહમ્મદ યુનુસનો નકલી પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં 6 નવેમ્બર 2024ની તારીખ છે અને મોહમ્મદ યુનુસના હસ્તાક્ષર છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે ?
મોહમ્મદ યુનુસનો પત્ર જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે અંગ્રેજી ભાષામાં લખાયેલો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, હું ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપું છું. રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ટ્રમ્પ મસીહા છે. અમે બધા આ દિવસની રાહ જોઈ રહ્યાં હતા. તે માનવતા માટે નવા વિચારો લાવશે અને માનવતાને એવી ઊંચાઈ પર લઈ જશે, હું 2016થી ગુપ્ત રીતે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રશંસક છું. ફરી એકવાર ટ્રમ્પને અને મારા અને તેમની વચ્ચેના સંબંધો માટે હાર્દિક અભિનંદન. પોસ્ટ શેર કરનાર યુઝરે લખ્યું, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ, જેઓ બાઇડેનને તેલ આપતા હતા, હવે ટ્રમ્પને મસીહા કહી રહ્યાં છે.
શું છે વાયરલ પોસ્ટનું સત્ય ?
ગુજરાત પોસ્ટ ન્યૂઝે આ પત્રની સત્યતાની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલો આ પત્ર સંપૂર્ણપણે નકલી અને સંપાદિત છે. હકીકતમાં બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે 6 નવેમ્બર 2024 ના રોજ સત્તાવાર X હેન્ડલ પર બીજો પત્ર શેર કરવામાં આવ્યો છે. જેમાં મોહમ્મદ યુનુસે ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન પાઠવ્યાં છે. આ પત્રમાં ક્યાંય મસીહા જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ અસલી પત્રને એડિટ કરીને નકલી પત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશી ન્યૂઝ આઉટલેટ શોકલ શોંડાએ પણ આ પત્રનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે મોહમ્મદ યુનુસે ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/