સ્ટેન્ડિંગ કમિટી મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપશે
રાજકોટઃ મહાનગર પાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. ED દ્રારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ગુનો દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી છે. મનસુખ સાગઠિયા વર્ગ-1 ના કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં માંગ કરાશે. સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપવામાં આવશે.
મનસુખ સાગઠિયા પર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનને જરૂરી ફાયર સેફ્ટી NOC અને અન્ય મંજૂરીઓ વિના કાર્યરત રાખવામાં મદદ કરવાનો આરોપ છે. તેના પર ભ્રષ્ટાચાર અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની પાસેથી કરોડો રૂપિયાની રોકડ, સોનું, અને અનેક સ્થાવર-જંગમ મિલકતો મળી આવી હતી, જે તેમની કાયદેસરની આવક કરતાં અનેક ગણી વધુ હતી. રિપોર્ટ્સ મુજબ, તેમની આવક કરતા 628% થી વધુ અપ્રમાણસર સંપત્તિ મળી આવી હતી.
પ્રાથમિક તપાસ મુજબ, ગેમ ઝોનના પહેલા માળે ચાલી રહેલા વેલ્ડિંગ કામ દરમિયાન તણખા પડવાથી આગ લાગી હતી. ગેમ ઝોનમાં પેટ્રોલ, ફાઇબર અને ફાઇબર ગ્લાસ જેવી અત્યંત જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો સંગ્રહિત હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ગેમ ઝોન પાસે ફાયર વિભાગની મંજૂરી નહોતી અને અંદર પ્રવેશવા તથા બહાર નીકળવાનો માત્ર એક જ રસ્તો હતો.
25 મે, 2024 ના રોજ રાજકોટના નાનામવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોન આગ લાગી હતી. આ ઘટનામાં કુલ 27 લોકોના મોત થયા હતા. જેમાં 12 માસૂમ બાળકોનો પણ સમાવેશ થયો હતો. ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ સહિતની જરૂરી મંજૂરી ન હોવા છતાં તે ધમધમી રહ્યો હતો.
હાઈકોર્ટે આ ઘટનાની સુઓ મોટો નોંધ લીધી હતી અને તેને "માનવસર્જિત દુર્ઘટના" ગણાવી હતી. હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે આવા ગેમ ઝોન અને મનોરંજન સુવિધાઓ સક્ષમ અધિકારીઓની જરૂરી મંજૂરીઓ વિના ચાલી રહ્યા હતા. આ ઘટના બાદ રાજ્યભરના અન્ય ગેમ ઝોન અને કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ઘણા ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યાં હતા. આ બનાવ બાદ રાજ્યભરમાં લોકોએ સરકારી અધિકારીઓ અને ભાજપ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.