રાજ્યના વાતાવરણમાં પલટો
ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ખેતીને પણ નુકસાન
પોરબંદરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. પોરબંદરના સીસલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સોઢાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા (ઉ.વ.60) અને વડાળાના બાલુભાઇ કારાભાઈ ઓડેદરા (ઉ.વ.30)નું પણ ઘટના સ્થળે મોત થયું હતું.
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યાં છે. જૂનાગઢ શહેરમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો. ભારે ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ગુરુવારે અમદાવાદ ખેડા, આણંદમા વરસાદ રહેશે. મધ્યપ્રદેશમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આ વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. ગુરુવારે કચ્છમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/