આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ: દિલ્હી પોલીસે પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી, IED બનાવવાનો સામાન પણ મળ્યો

10:21 AM Sep 11, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હી, રાંચી અને મધ્ય પ્રદેશમાંથી ISISના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરીને એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. તેમાંથી બે  આતંકીઓને દિલ્હીથી, બેને ઝારખંડથી અને એકને મધ્ય પ્રદેશથી પકડવામાં આવ્યાં છે. ઉપરાંત પોલીસે કેટલાક અન્ય લોકોને પણ કસ્ટડીમાં લીધા છે, તેમની પૂછપરછ ચાલી રહી છે. 

ગઈકાલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, ઝારખંડ ATS અને રાંચી પોલીસે સાથે મળીને રાંચીના ઇસ્લામનગર વિસ્તારમાંથી બે આતંકીઓ, અશહર દાનિશ અને આફતાબની ધરપકડ કરી હતી. બોકારો જિલ્લાના રહેવાસી અશહર દાનિશને રાંચીના તબારક લોજમાંથી હથિયાર અને વિસ્ફોટક સામગ્રી સાથે પકડવામાં આવ્યો હતો. જ્યારે, મુંબઈના રહેવાસી આફતાબને દિલ્હીથી પકડવામાં આવ્યો હતો. આ બંને પર ISISના સ્લીપર સેલ સાથે જોડાયેલા હોવાનો અને રાસાયણિક હથિયારો બનાવવાની ક્ષમતા રાખવાનો આરોપ છે.

પોલીસના દરોડા દરમિયાન, અશહર દાનિશ પાસેથી હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફર પાવડર અને અન્ય વિસ્ફોટક સામગ્રી, એક પિસ્તોલ, ડિજિટલ ઉપકરણો અને દિલ્હીના કેટલાક વિસ્તારોના નકશા મળી આવ્યાં છે. સુફિયાન અને આફતાબના ઠેકાણેથી પણ હથિયાર અને IED બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ મોડ્યુલ તહેવારોના દિવસોમાં દિલ્હી-NCRમાં મોટા પાયે હુમલા કરવાની ફિરાકમાં હતું.

આ ઓપરેશન હેઠળ દિલ્હી, ઝારખંડ, મુંબઈ અને અન્ય રાજ્યોમાં 12 થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં છે. સુરક્ષા એજન્સીઓ તેમના વિદેશી આતંકવાદી સંગઠનો, ખાસ કરીને પાકિસ્તાની આતંકી મોડ્યુલ અને ISI સાથેના સંબંધોની તપાસ કરી રહી છે. અશહર દાનિશને આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે અને તેની પૂછપરછમાં ઘણા મહત્વના સુરાગ મળવાની આશા છે.