નવસારી: આગામી સમયમાં યોજાનારી નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યાં છે. પક્ષના પાયાના અને અનુભવી નેતા દીપક બારોટની નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ જાહેરાત થતાની સાથે જ સ્થાનિક કાર્યકરોમાં નવો જોમ પુરાયો છે અને પક્ષની ઓફિસ બહાર ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો.
નવસારી કોંગ્રેસ છેલ્લા લાંબા સમયથી અનેક પડકારો અને આંતરિક જૂથવાદનો સામનો કરી રહી હતી. પક્ષની નબળી સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, છેલ્લી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક જ બેઠક પર સમેટાઈ ગઈ હતી. આંતરિક વિખવાદને કારણે વિપક્ષ તરીકે જનતાના પ્રશ્નો વાચા આપવામાં પક્ષ નિષ્ફળ સાબિત થયો હતો.
પ્રદેશ નેતા અમિત ચાવડાની નવસારી મુલાકાત દરમિયાન કાર્યકરો અને બુદ્ધિજીવીઓ સાથેના સંવાદમાં દીપક બારોટનું નામ સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યું હતું. દીપક બારોટ સંગઠન ચલાવવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ વર્ષ 2008માં પણ શહેર પ્રમુખ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમની કાર્યકરો સાથેની સીધી પકડ અને પાયાના સ્તરનું નેતૃત્વ જોતા, પ્રદેશ નેતૃત્વએ આગામી મહાનગરપાલિકાની જંગ જીતવા માટે તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો છે.
નવનિયુક્ત પ્રમુખ સામે હવે વિખરાયેલા સંગઠનને એકઠું કરી, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત પડકાર ઉભો કરવાની મુખ્ય જવાબદારી રહેશે.