વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી, તમિલનાડુની મુલાકાત પહેલા DMK નેતાનો વીડિયો વાયરલ

10:07 AM Nov 19, 2025 | gujaratpost

તમિલનાડુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે છે. આ મુલાકાત પહેલા તમિલનાડુના શાસક ડીએમકેના એક નેતાએ પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મોદીને મારી નાખવાની ધમકી આપતા ડીએમકે નેતાના એક વીડિયોએ હંગામો મચાવી દીધો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ નયનર નાગેન્દ્રને ડીએમકે નેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપનાર ડીએમકે નેતાની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.

ડીએમકે નેતાએ શું કહ્યું ?

તેનકાસી જિલ્લામાં એસઆઈઆર વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શનમાં ડીએમકે દક્ષિણ જિલ્લા સચિવ જયપાલને આડકતરી રીતે પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. ડીએમકે નેતાએ મોદીની તુલના નરકાસુર સાથે કરી હતી. મોદી તમારા મતો છીનવી લેવા માટે તલપાપડ છે, તે બીજો નરકાસુર છે, તેને ખતમ કરીને જ તમિલનાડુને ફાયદો થઈ શકે છે, આપણે આ લડાઈ એક થઈને લડવી પડશે અને જીતવી પડશે.

ભાજપ ગુસ્સે થયું

તમિલનાડુ ભાજપ પ્રમુખ નયનર નાગેન્દ્રને સોશિયલ મીડિયા પર લખ્યું, દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ પદ ધરાવતા નેતા, ખાસ કરીને એક મહાન નેતા, જેનું સમગ્ર વિશ્વમાં સન્માન કરવામાં આવે છે, કોઈ પણ આદર અને સ્ટેજ શિષ્ટાચાર વિના જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાથી તમિલનાડુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે શંકા ઉભી થાય છે. તેનકાસીના સાંસદ રાની શ્રીકુમાર અને શંકરનકોવિલના ધારાસભ્ય રાજા, જેઓ ત્યાં હાજર હતા, તેમનું મૌન, જિલ્લા સચિવના ક્રૂર ભાષણને રોક્યા વિના સમગ્ર પક્ષના હિંસક સ્વભાવ અને ક્રૂરતાને છતી કરે છે. આનાથી બચવા માટે ડીએમકે ગમે તે બહાના બનાવે, તે સ્વીકારવામાં આવશે નહીં. હું ડીએમકે સરકારને વિનંતી કરું છું કે તેઓ તાત્કાલિક ડીએમકે દક્ષિણ જિલ્લા સચિવ જયપાલનની ધરપકડ કરે. જેમણે ભારતના માનનીય પ્રધાનમંત્રીની સુરક્ષાને જોખમમાં મૂકે તેવા નિવેદનો આપ્યા છે.

પીએમ મોદીનો કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી સ્થિત સત્ય સાંઈ બાબાના પવિત્ર મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ મોદી તમિલનાડુના કોઈમ્બતુર જશે. તેઓ દક્ષિણ ભારત કુદરતી ખેતી સમિટનું ઉદ્ઘઘાટન કરશે અને પીએમ-કિસાન યોજના હેઠળ ખેડૂતોને 21મો હપ્તો પણ આપશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++