શેખ હસીનાના નજીકના 20 નેતાઓનાં મૃતદેહો મળ્યાં, અનેક મોટી હસ્તીઓની હત્યાઓ કરી નાખવામાં આવી

10:40 AM Aug 07, 2024 | gujaratpost

ઢાકાઃ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ વચગાળાની સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યાં છે. બંગા ભવન (રાષ્ટ્રપતિ ગૃહ) ખાતે દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ વચગાળાની સરકારનું નેતૃત્વ કરવાના મોહમ્મદ યુનુસના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. અનામત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓની સાથે ત્રણેય સેનાના વડાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના હાલ ભારતના હિંડન એરબેઝ પર બનેલા સેફ હાઉસમાં છે.

અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળ્યાં

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ પર હુમલાઓ સતત ચાલુ છે. સમગ્ર બાંગ્લાદેશમાંથી અવામી લીગના 20 વધુ નેતાઓના મૃતદેહ મળી આવ્યાં છે. અવામી લીગના ઘણા નેતાઓ અને કાર્યકરોના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં પણ તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી રહી છે.

બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે ભારતમાં પણ થઈ શકે છેઃ સલમાન ખુર્શીદ

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે મંગળવારે કહ્યું કે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે તે ભારતમાં પણ થઈ શકે છે. જો કે બધું સામાન્ય લાગે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ખુર્શીદ શિક્ષણવિદ મુજીબુર રહેમાનના પુસ્તક 'શિકવા-એ-હિંદઃ ધ પોલિટિકલ ફ્યુચર ઓફ ઈન્ડિયન મુસ્લિમ'ના વિમોચન પ્રસંગે આ નિવેદન આપ્યું હતું.

બાંગ્લાદેશના પ્રખ્યાત ગાયક રાહુલ આનંદનું ઢાકાના ધનમંડીમાં 140 વર્ષ જૂનું ઘર તોફાનીઓએ સળગાવી દીધું હતું. આનંદનું આ ઘર એક વાઈબ્રન્ટ સાંસ્કૃતિક કેન્દ્ર હતું. ઘર સળગાવતા પહેલા લૂંટ પણ કરી હતી.

શેખ હસીનાના મંત્રીની ભારત ભાગી જવાના પ્રયાસમાં અટકાયત કરવામાં આવી

બાંગ્લાદેશ હાલમાં ભારે અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તખ્તાપલટ અને શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ તેમની ભૂતપૂર્વ કેબિનેટના મંત્રીઓ એક પછી એક નીચે પડવા લાગ્યાં છે. બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની ઢાકા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે.

ખાલિદા ઝિયાનો પુત્ર બાંગ્લાદેશ પરત ફર્યા

ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન આજે બાંગ્લાદેશ પરત ફરી રહ્યાં છે. તેઓ ઢાકામાં એક રેલીમાં ભાગ લેશે. તારિક વર્ષોથી લંડનમાં રહેતા હતા. પરંતુ હવે શેખ હસીનાની હિજરત બાદ તેઓ પોતાના દેશ પરત ફરી રહ્યાં છે.

એર ઈન્ડિયાનું વિમાન ઢાકાથી દિલ્હી પહોંચ્યું

ઢાકાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી. પ્લેનમાંથી ઉતરેલા એક મુસાફરે કહ્યું, હવે સ્થિતિ (બાંગ્લાદેશમાં) ઘણી હદ સુધી નિયંત્રણમાં છે. આવતીકાલથી કારખાનાઓ, ઓફિસો, બેંકો, કોલેજો અને શાળાઓ કાર્યરત થઈ જશે. હું અહીં મારા પરિવારને મળવા આવ્યો છું. લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાના સમાચાર પર તેમણે કહ્યું કે એવું નથી, ત્યાં બધું બરાબર છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526