મોટી રાહત...PI-PSI નો બદલીને લઇને વાયરલ થયેલો પરિપત્ર નકલી, DGPએ કરી સ્પષ્ટતા- Gujarat Post

10:43 AM Aug 22, 2024 | gujaratpost

Gandhinagar News: પોલીસમાં વિવિધ રેંજ અને શહેરમાં પાંચ વર્ષ કે તેથી વધારે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વિગતો રાજ્ય પોલીસ વડાએ મંગાવી હોવાનો એક પત્ર વાયરલ થયો હતો. પીઆઇ અને પીએસઆઇની નોકરી અનુસંધાનમાં વધુ એક પત્ર પણ વાયરલ થયો હતો. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પાંચ કે તેથી વધારે વર્ષ કોઇ રેંજ કે શહેરમાં ફરજ બજાવતા પીઆઇ અને પીએસઆઇની બદલી તેમની હાલની રેંજ નજીકમાં આવતી રેંજમાં કરવામાં આવશે નહી. આ પરિપત્રને પગલે પોલીસ અધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી.

હવે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો ખુલાસો કર્યો છે કે રેંજમાં બદલી અંગે કોઇ પરિપત્ર બહાર પડાયો નથી.માત્ર પાંચ વર્ષથી ફરજ બજાવતા અધિકારીની વિગતો જ મંગાવવામાં આવી હતી. ગત 2 ઓગસ્ટના રોજ ડીજીપી વિકાસ સહાયની સહી ધરાવતો પરિપત્ર વાયરલ થયો હતો. જેમાં તેમણે રાજ્યની વિવિધ રેંજમાં સતત પાંચ વર્ષ ફરજ બજાવતા પોલીસ ઇન્સેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર યાદી મંગાવી હતી. અન્ય એક પત્ર પણ વાયરલ થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગૃહવિભાગે પીઆઇ અને પીએસઆઇની બદલીમાં પારદર્શકતા આવે તે માટે એક રેંજમાં પાંચ વર્ષ કે વધુ સમયથી ફરજ બજાવતા અધિકારી તાત્કાલિક અસરથી બદલી કરવી.સાથે સ્પષ્ટતા હતી કે આ બદલી હાલની રેંજ કે કમિશનરેટથી નજીકમાં આવેલા જિલ્લા કે રેંજમાં ન કરવી. જેમાં વડોદરા રેંજ અને વડોદરા સીટી, અમદાવાદ રેંજ અને અમદાવાદ સીટી, રાજકોટ રેંજ અને રાજકોટ શહેર, સુરત રેંજ અને સુરત શહેર, ગાંધીનગર, પંચમહાલ, ભાવનગર, જુનાગઢ અને બોર્ડર રેંજમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓને અસર થતી હતી.

આ પરિપત્ર અને વાયરલ પત્ર મુદ્દે આંતરિક રોષની લાગણી જોવા મળી હતી. આ અંગે ડીજીપી વિકાસ સહાયે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે રેંજમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમય ફરજ બજાવતા પીઆઇ કે પીએસઆઇની રેંજ બદલી અંગે કોઇ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. પાંચ કે તેથી વધારે વર્ષથી ફરજ બજાવતા અધિકારીની વિગતો એકત્ર કરવી તે વહીવટી બાબત છે. ડીજીપીના આ મહત્વપૂર્ણ નિવેદનના પગલે પોલીસ અધિકારીઓએ રાહત અનુભવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526