ફરી હિંડનબર્ગનો ઘટસ્ફોટ, સેબી ચીફનું અદાણીની કંપનીઓમાં રોકાણ, પતિ સાથે મળીને લગાવ્યાં પૈસા- Gujarat Post

10:32 AM Aug 11, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના લેટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારા દાવા કરવામાં આવ્યાં છે. રિપોર્ટમાં ભારતીય સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીના વડા અને તેમના પતિ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના વડા માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચના નામ કથિત અદાણી કૌભાંડ સાથે જોડવામાં આવી રહ્યાં છે. શનિવારની મોડી રાત્રે આવેલા અહેવાલોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દંપતી અદાણીના કૌભાંડોમાં ઉપયોગમાં લેવાતા સંદિગ્ધ ઓફશોર ફંડમાં હિસ્સો ધરાવે છે.

હિંડનબર્ગે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસ ગ્રુપ અંગેના તેના અગાઉના અહેવાલના 18 મહિના પછી એક નવો બ્લોગપોસ્ટ બહાર પાડ્યો હતો. તે આક્ષેપ કરે છે કે સેબીએ આશ્ચર્યજનક રીતે અદાણીના કૌભાંડોમાં કોઇ રસ લીધો નથી. જેમાં મોરેશિયસની અનેક સેલ કંપનીઓના નામ સામે આવ્યાં હતા. હાલના સેબીના વડા માધવી બૂચ અને તેમના પતિ અદાણીના સંદિગ્ધ ઓફશોર ફંડ્સમાં હિસ્સો ધરાવતા હોવાનો અમેરિકન શોર્ટ-સેલરે 'વ્હિસલબ્લોઅર દસ્તાવેજોને' ટાંકીને દાવો કર્યો છે

રિપોર્ટમાં દાવો છે કે માધવી પુરી બુચે તેમના શેર તેમના પતિને ટ્રાન્સફર કર્યા હતા. એપ્રિલ 2017 થી માર્ચ 2022 સુધી, માધવી પુરી બુચ સેબીના સભ્ય અને ચેરપર્સન હતા. સિંગાપોરમાં અગોરા પાર્ટનર્સ નામની કન્સલ્ટિંગ ફર્મમાં તેમનો 100 ટકા હિસ્સો હતો. 16 માર્ચ 2022ના રોજ સેબીના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંકના બે અઠવાડિયા પહેલા તેમણે કંપનીમાં તેમના શેર તેમના પતિના નામે ટ્રાન્સફર કર્યા હતા.

હિંડનબર્ગે જણાવ્યું કે, અદાણી ગ્રૂપ અંગેના અમારા મૂળ અહેવાલને લગભગ 18 મહિના થયા છે. કોર્પોરેટ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડમાં ભારતીય બિઝનેસ સમૂહ (અદાણી) સામેલ હોવાના પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યાં છે. જો કે, નક્કર પુરાવા અને 40 થી વધુ સ્વતંત્ર મીડિયા તપાસ હોવા છતાં, સેબીએ અદાણી જૂથ સામે પગલાં લીધાં નથી. અદાણી સામે પગલાં લેવાને બદલે સેબીએ જૂન, 2024માં અમને શો કોઝ નોટિસ મોકલી. બીજી તરફ માધવી પુરી બુચે આક્ષેપો ફગાવી દીધા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526