સ્કૂલની ગટરમાંથી મળી વિદ્યાર્થીની લાશ, વિફરેલા વાલીઓએ કરી તોડફોડ- Gujarat Post News

11:04 AM May 17, 2024 | gujaratpost

Bihar Crime News: બિહારના પટનાના દિઘામાં ખાનગી શાળાની ગટરમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી છે. પરિવારનો આરોપ છે કે શાળામાં જ બાળકની હત્યા કરી લાશને ગટરમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. લોકોએ દાનાપુર-ગાંધી મેદાન રોડ બ્લોક કરી દીધો હતો. તેઓએ રસ્તા પર ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ શાળામાં ઘૂસીને તોડફોડ કરી હતી. શાળાના ઘણા ઓરડાઓ પણ સળગાવી દીધા હતા. શાળાના વાહનોને પણ નુકસાન થયું હતું, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. સવારે આ માર્ગ પરથી પસાર થતા લોકો, અન્ય શાળાના બાળકો અને શિક્ષકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને સમજાવીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બધા જ હત્યારાને પકડવાની માંગ પર અડગ છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે ચાર વર્ષના બાળકની લાશ મળી આવતાં ઘણા લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા. મૃતક બાળકની ઓળખ દિઘાના રહેવાસી શૈલેન્દ્ર રાયના પુત્ર આયુષ કુમાર (ઉ.વ-4) તરીકે થઈ છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સ્કૂલ મેનેજમેન્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે. આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે તે ગુરુવારે સવારે લગભગ 6:00 વાગ્યે દિઘામાં પોતાના ઘરેથી સ્કૂલ (ટાની ટોટ એકેડમી) માટે નીકળ્યો હતો. વર્ગો પૂરા થયા પછી ત્યાં કોચિંગ કરતો હતો. મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં અમે શાળાના આચાર્યને ફોન કર્યો હતો. તેમને કહ્યું કે બાળક શાળામાં નથી. આ પછી અમે શાળાએ પહોંચ્યા. સ્કૂલ વાહનના ડ્રાઈવરને બોલાવવામાં આવ્યો હતો. પછી ડ્રાઈવરે કહ્યું કે તે લગભગ સાડા છ વાગ્યે તમામ બાળકોને સ્કૂલે લઈ ગયો હતો. આ પછી અમે સ્કૂલના સીસીટીવી ફૂટેજ શોધી કાઢ્યા. બપોરે 12 વાગ્યાની આસપાસ આયુષ શાળામાં દેખાયો. આ પછી, સીસીટીવી ફૂટેજના ઘણા શોર્ટ્સ ગાયબ જોવા મળ્યા હતા.

Trending :

પરિવારજનોનો આરોપ છે કે તેમના બાળકની હત્યા કર્યાં બાદ લાશને શાળાની ચેમ્બરમાં જ ફેંકી દેવામાં આવી હતી અને ઉપરથી ચેમ્બર બંધ કરી નાખવામાં આવ્યું હતુ. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને હત્યારાઓને પકડવા જોઈએ. રોષે ભરાયેલા લોકોએ સ્કૂલમાં ઘૂસીને તોડફોડ કરી હતી. ઘટના બાદ શાળાના તમામ શિક્ષકો ફરાર થઈ ગયા હતા. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી પોલીસ બાળકના હત્યારાની ધરપકડ નહીં કરે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526