ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો

08:11 PM Jan 12, 2025 | gujaratpost

ભોપાલ: પૂર્વ RTO કોન્સ્ટેબલ સૌરભ શર્માના કેસમાં નવો ખુલાસો થયો છે. મેંદોરીના જંગલમાં 52 કિલો સોનું અને રોકડ ભરેલી ઇનોવા કાર મળી આવી હતી. તેને ત્યાં લઈ જઈને પાર્ક કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. સૌરભના ઘરેથી જપ્ત કરાયેલી ડાયરીમાં ટ્રાન્સપોર્ટ ચેકપોસ્ટ પરથી રિકવરીનો રેકોર્ડ પણ મળી આવ્યો છે. પહેલા ઇડીએ સૌરભ શર્માના ઘર પર દરોડા પાડ્યાં હતા, ત્યાર પછી ઈડીએ ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરમાં સૌરભ અને તેના સંબંધીઓના ઘર પર દરોડા પાડ્યાં હતા. દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ ભોપાલના જંગલમાંથી એક કાર કબ્જે કરી હતી. જેમાં 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા રોકડા હતા.

આ અંગે આવકવેરાની તપાસ ચાલી રહી છે. તપાસમાં આવકવેરા વિભાગને ઘણા સીસીટીવી ફૂટેજમાંથી મહત્વની માહિતી મળી છે. સીસીટીવીના આધારે અરેરા કોલોનીથી મેંદોરી જંગલ સુધીનો કારનો આખો રૂટ હવે આવકવેરા વિભાગ પાસે આવી ગયો છે. ઉપરાંત એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કારને એકલી નહીં પરંતુ 3 વાહનોના કાફલામાં જંગલ તરફ લઈ જવામાં આવી હતી. તે કાર ચેતન ગૌરના નામે રજીસ્ટર હતી. ચેતને આયકર વિભાગને પહેલેથી જ કહ્યું છે કે કારમાંથી મળેલું સોનું અને રોકડ સૌરભની છે.

હવે ઈન્કમટેક્સની તપાસમાં સામે આવ્યું છે કે સૌરભના એક સંબંધી જેને તે ભાઈ-ભાભી કહે છે, તે કારને જંગલમાં લઈ જવામાં સામેલ હતા. તે સંબંધીનો પુત્ર પણ સામેલ હતો. બંને કાફલાની સુરક્ષા સાથે કારને જંગલમાં લઈ ગયા હતા. કાર જ્યાંથી મળી હતી તે પ્લોટ પણ એક મહિલાની પુત્રીના નામે નોંધાયેલ છે જે સૌરભના માસી છે.

જંગલમાંથી મળી આવેલી સોના અને રોકડથી ભરેલી કારનું સૌરભ શર્મા સાથેનું કનેક્શન સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે. આ સિવાય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં સૌરભ, તેના સંબંધીઓ અને સહયોગીઓની બેનામી મિલકતો મળી આવી હતી. હવે આવકવેરા વિભાગે તેની તપાસ હાથ ધરી છે અને મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

બીજી તરફ તપાસ એજન્સીઓને સૌરભ શર્માના ઘરેથી ટ્રાન્સપોર્ટ પોસ્ટના હિસાબોની વિગતો મળી છે જે અનેક ડાયરીઓમાં નોંધાયેલી છે. આમાં મધ્યપ્રદેશની ઘણી ચેકપોસ્ટ પરથી દૈનિક વસૂલાતનો ઉલ્લેખ છે. ડાયરી ઉપરાંત એજન્સીઓને ઘણા ટેકનિકલ પુરાવા પણ મળ્યાં છે, જેની તપાસ ચાલી રહી છે.

શનિવારે સોશિયલ મીડિયા પર એક કથિત સૂચિ વાયરલ થઈ હતી, જેમાં ટ્રાન્સપોર્ટ પોસ્ટના નામ અને તેની નીચે TM અને TC જેવા શબ્દો સાથે રકમ લખવામાં આવી છે. રકમ હજાર, લાખ કે કરોડમાં હોય તે યાદીમાં નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લિસ્ટમાં લખેલું નામ ટીએમ એટલે કે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને ટીસી એટલે ટ્રાન્સપોર્ટ કમિશનર. જો કે, હાલમાં કોઈ તપાસ એજન્સીએ આ યાદીને અધિકૃત કરી નથી. સૌરભના ઘરે સૌથી પહેલા દરોડા પાડનાર લોકાયુક્તે પણ આવી કોઈ યાદી હોવાની જાણકારી હોવાનો ઈન્કાર કર્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++