(demo pic)
વોટ્સએપ ગ્રુપમાં ચાલતો હતો કાળો કારોબાર
કોઈને એડ કરવાના 1500 રૂપિયા વસૂલાતા હતા
ભાવનગરઃ જિલ્લામાં બેફામ બનેલા ખનન માફિયાઓ સુધી સરકારી અધિકારીઓની જાસૂસી કરી સંવેદનશીલ માહિતી પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આરોપીઓ ભૂમાફિયાઓને વોટ્સએપ ગૃપમાં ઓડિયો મેસેજ મારફતે અધિકારીઓના લોકેશન, વાહનોના નંબર, ગાડીમાં બેઠેલા સરકારી અધિકારી-કર્મચારીઓ, વાહનો કઈ તરફ, કયાં રસ્તે અને સ્થળે જાય છે તે તમામ માહિતી આપી રહ્યાં હતા. જે અંગે ઈન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
થોડા દિવસ પહેલા ભાવનગર કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશદ્વાર પાસે ત્રણ શખ્સ સિક્યુરીટી ગાર્ડ પાસે શકમંદ હાલતમાં બેઠા હતા. આ સમયે ઈન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ. જાલોંધરા જમવા માટે નીચે ઉતરતા ત્રણેય શખ્સને બોલાવી નામ-સરનામા પૂછવાની કોશિશ કરતા શખ્સો ભાગવા લાગ્યા હતા. ત્યારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર (રહે, નંદાણા, તા.કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) નામનો એક શખ્સ હાથમાં આવી જતાં તેની પાસેથી આઈફોન સાથે બે મોબાઈલ ફોન જપ્ત કરી પૂછતાછ કરતા નાસી છૂટેલા બે પૈકીનો એક શખ્સ તેનો ભાઈ ક્રિપાલસિંહ વાઢેર અને બીજો નાનુ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ હોવાનું જણાવ્યું હતું.
શખ્સ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની નોટિફિકેશન જોતા જય મોગલ માં, આરટીઓ લોકેશન, જય માં ખોડિયાર, કિંગ, ધ ગ્રુપ ઓફ મામા સરકાર, કિસ્મતના નામના વિવિધ છ ગ્રુપોથી માહિતીની આપ-લે થતી હોવાનું જણાય આવ્યું હતું. ભૂસ્તરશાસ્ત્રીએ અન્ય સ્ટાફને નીચે બોલાવતા તકનો લાભ ઉઠાવી શખ્સ તેમની પકડમાંથી ભાગી ગયો હતો. ભૂસ્તર વિભાગની ખાનગી રાહે કરવામાં આવેલી તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે સરકારી કચેરીઓમાં અને અધિકારીઓના ઘરની જાસૂસી ઉપરાંત ખનીજ ચોરી રોકવા માટે ચેકીંગ કામગીરીની વિગતો લીક કરતા આ ગેંગના મળતિયાઓ જિલ્લામાં પણ અલગ-અલગ જગ્યાએ વોચ રાખીને બેસતા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવા ફીલ્ડમાં તપાસ માટે નીકળનારા અધિકારીઓની તમામ પ્રકારની હરકત ગ્રુપમાં મેસેજ કરી ખનીજ માફિયાઓને જાણ કરી દેતા હતા.
ભૂમાફિયાઓને ખનીજ ચોરીના રેકેટમાંથી બચાવવા માટે સરકારી અધિકારીઓની જાસૂસી કરી તેમની તમામ પ્રકારની વિગતો પહોંચાડવા માટે ભેજાબાજોએ વોટ્સએપનું આખું નેટવર્ક ઉભું કર્યું હતું. મુખ્ય ભેજાબાજ ભોજપરાનો શખ્સ છે. ઉપરાંત આખું નેટવર્ક ચલાવતા અન્ય શખ્સો સંવેદનશીલ માહિતી પહોંચાડવા માટે બનાવેલા ગ્રુપમાં કોઈને એડ કરવા એક નંબર દીઠ એક હજારથી દોઢ હજાર રૂપિયા વસૂલતા હતા અને આવી રીતે ખનીજની ચોરી થઇ રહી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/