જમ્મુ-કાશ્મીરના સીએમ તરીકે ઓમર અબદુલ્લાએ લીધા શપથ, કોંગ્રેસના એક પણ મંત્રી નહીં

09:45 PM Oct 16, 2024 | gujaratpost

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે ઓમર અબ્દુલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશ (J-K) ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ખાસ વાત એ છે કે કલમ 370 હટાવ્યાં બાદ ઓમર અબ્દુલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશના પહેલા સીએમ બન્યાં છે. આ સમારોહ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે સવારે 11.30 વાગ્યે હતો. આ દરમિયાન અબ્દુલ્લા કેબિનેટના 9 મંત્રીઓએ પણ શપથ લીધા છે. રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ અહીં હાજર હતા.

એનસી-કોંગ્રેસ ગઠબંધનને 48 બેઠકો મળી છે

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનનો વિજય થયો હતો. 90 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સે 42 અને કોંગ્રેસે 6 વિધાનસભા બેઠકો જીતી છે. ભાજપ 29 વિધાનસભા બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી આ ચૂંટણીમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી.

ઓમર અબ્દુલ્લાએ શપથ પહેલા કહ્યું- રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતુ કે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે. જે પોતે જ કમનસીબ છે. પરંતુ મેં હંમેશા કહ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેનો અમારો દરજ્જો અસ્થાયી છે. અમને ભારત સરકાર તરફથી વચન મળ્યું છે કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે

કોંગ્રેસના કોઈપણ ધારાસભ્ય મંત્રી તરીકે શપથ નહીં લે.

કોંગ્રેસના જમ્મુ-કાશ્મીરના પ્રભારી ભરતસિંહ સોલંકીએ અગાઉ કહ્યું હતુ કે નેશનલ કોન્ફરન્સ સાથે વાતચીત ચાલી રહી છે અને કેબિનેટની વહેંચણી અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે. કોંગ્રેસ ગઠબંધનનો હિસ્સો છે. પરંતુ આજે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય શપથ લેશે નહીં, કારણ કે અમે સરકારનો હિસ્સો બનીશું કે બહારથી સમર્થન કરીશું તે અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526