Bangladesh Crisis: બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ આજે સંભાળશે વચગાળાની સરકારનું સુકાન, શાંતિ રાખવાની કરી અપીલ- Gujarat Post

04:24 PM Aug 08, 2024 | gujaratpost

Bangladesh Crisis: મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ગુરુવારે જ શપથ લેશે. દેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝ જમાને કહ્યું મોહમદ યુનુસ આજે જ પેરિસથી ઢાકા પરત ફરી રહ્યાં છે. યુનુસે લોકોને શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો આપણે હિંસાનો માર્ગ પસંદ કરીશું તો બધું નાશ પામશે. શાંત રહો અને દેશના પુનઃનિર્માણની તૈયારી કરો.

જનરલ ઝમાને કહ્યું, વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં 15 સભ્યો હોઈ શકે છે. આર્મી ચીફે કહ્યું છે કે ત્રણથી ચાર દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. અને દોષિતોને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એવો પણ દાવો કર્યો હતો કે તેમને દેશના નૌકાદળ અને વાયુસેનાના વડાઓનું સમર્થન છે, જેથી તેઓ નવી સરકારને સમર્થન આપે છે.

મોહમ્મદ યુનુસે પોતાના એક લેખમાં લખ્યું છે કે થોડા મહિનામાં જ નિષ્પક્ષ ચૂંટણી પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે. મોહમ્મદ યુનુસ યુરોપમાં હતા અને આજે બાંગ્લાદેશ પરત ફરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને અભિનંદન આપતા યુનુસે કહ્યું કે, આ નવી જીતનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમારી ભૂલોથી વિજયને સરકી જવા ન દો. બાંગ્લાદેશના આર્મી જનરલ ઝમાને કહ્યું કે, મને વિશ્વાસ છે કે યુનુસ આપણને લોકશાહીના માર્ગ પર પાછા લાવશે, જેનો લાભ બધાને મળશે. યુનુસને સેનાનું સંપૂર્ણ સમર્થન છે.

મોહમ્મદ યુનુસે નિવેદનમાં કહ્યું કે હું દરેકને શાંત રહેવાની અપીલ કરું છું. કૃપા કરીને તમામ પ્રકારની હિંસાથી દૂર રહો. હું તમામ વિદ્યાર્થીઓ, તમામ રાજકીય પક્ષોના સભ્યો અને બિનરાજકીય લોકોને શાંત રહેવાની અપીલ કરું છું. આ આપણો સુંદર દેશ છે જેમાં ઘણી બધી સંભાવનાઓ છે. આપણે તેનું રક્ષણ કરવું જોઈએ અને તેને આપણા અને ભાવિ પેઢીઓ માટે એક અદભૂત દેશ બનાવવો જોઈએ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526