+

બગદાણા હુમલો: કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યો CMને મળ્યાં, તપાસ માટે SITની રચના

ગાંધીનગરઃ બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ન્યાયિક તપાસની

ગાંધીનગરઃ બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ન્યાયિક તપાસની માંગ કરી હતી, જેના પગલે સરકારે તાત્કાલિક SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી છે.

કોળી સમાજના આગેવાનો મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને ભેગા થયા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં સાંસદો: રાજેશ ચુડાસમા (જૂનાગઢ), નિમુબેન બાંભણિયા (ભાવનગર), ચંદુ શિહોરા (સુરેન્દ્રનગર) હાજર રહ્યાં હતા. ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત કુલ 15 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

ધારાસભ્ય હીરા સોલંકીએ સ્પષ્ટ કર્યું હતું કે, અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી, પરંતુ યુવક પર થયેલા અન્યાય સામે છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ભાવનગર રેન્જ આઈજી દ્વારા ત્વરિત તપાસ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ SITના અધ્યક્ષ જયવીર ગઢવી (મદદનીશ પોલીસ અધીક્ષક, ધારી) રહેશે. પોલીસ ઈન્સપેક્ટર એમ.જી. જાડેજા, પી.જે. વાળા અને અન્ય પોલીસ કર્મીઓ મદદ કરશે.

ગત 29 ડિસેમ્બર, 2025ના રોજ નવનીત બાલધિયા પર 8 શખ્સોએ હુમલો કર્યો હતો. નવનીતનો આક્ષેપ છે કે આ હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર છે. પીડિતે પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો, જે બાદ હવે આ ઉચ્ચ સ્તરીય તપાસ સોંપવામાં આવી છે.

facebook twitter